અમદાવાદઃ શહેરમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિભાગના પ્રધાન ભાનુ બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં કન્યા પૂજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નાની બાળકીઓની વિધિવત પૂજા કરવામાં આવી અને બાળકીઓને જન્મ આપનાર માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની થીમ 'સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત' રાખવામાં આવી હતી.
કિશોરી મેળોઃ આજે અમદાવાદના પૂર્વ વિસ્તાર કઠવાડા સ્થિત 108, GVK સેન્ટર કિશોરી મેળા કાર્યક્રમ યોજાઈ ગયો. 'બેટી બચાવો બેટી પઢાઓ' અને 'અન્નપૂર્ણા' યોજનાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાનુ બાબરીયા ઉપરાંત દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ, જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ, સંબંધિત વિભાગોના મહિલા સચિવ, અગ્રણી મહિલા અધિકારીઓ, આગેવાનો સામેલ થયા હતા. મોટી સંખ્યામાં નાગરિકોએ પોતાની બાળકીઓ સાથે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ધારાસભ્ય ગેરહાજરઃ આ કાર્યક્રમમાં વિભાગ પ્રધાન ભાનુ બાબરીયા અને દસક્રોઈ ધારાસભ્ય હાજર રહ્યા હતા. જો કે નરોડા ધારાસભ્ય પાયલ કુકરાણી અન્ય કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને લીધે હાજર રહી શક્યા નહોતા. જો કે મહિલાલક્ષી કાર્યક્રમમાં મહિલા ધારાસભ્યની ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા હતા.