સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, પેપર લીક કૌભાડનો પર્દાફાશ કોંગ્રેસે જ કર્યો હતો, કોંગ્રેસે આપેલા CCTV પણ સરકારે સ્વીકાર્યા ન હતા.જયારે 6 આરોપી પકડાયા હતા. ત્યારે તેમાંથી એક આરોપીનો કોંગ્રેસ પક્ષ સાથે સબંધ છે તેવું સાબિત કરવામાં સરકાર લાગી ગઈ હતી. સરકારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને કોંગ્રેસ પક્ષ પણ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. સરકારે રદ થયેલી પરીક્ષા ક્યારે લેવામાં આવશે. તે અંગે જાહેરાત કરવી જોઈએ.
તો આ મામલે જેના પર આક્ષેપ થયા છે એવા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તેઓ એક હોદ્દા પર છે અને તેમને અનેક કાર્યક્રમમાં જવાનું થતું હોય છે. ત્યારે લખવિંદરસિંઘ સાથે સંપર્ક થયો હતો અને તેમને ફોટો લીધો હતો એનો અર્થ એવો નથી કે તેમના મિત્ર છે.એક જવાબદાર હોદેદાર તરીકે બિનસચિવાલય પરીક્ષા રદ કરાવવાની માંગણી સાથે આંદોલનમાં સાથ આપ્યો હતો.સમગ્ર કૌભાંડનો કોંગ્રેસ દ્વારા જ પર્દાફાશ કરવામાં આવ્યો છે.જયારે કોલેજ બંધ કરાવવાનું એલાન કરવામાં આવ્યું હતુ, ત્યારે તેમની લખવિંદરસિંઘ સાથે ફોન પર વાતચીત થઇ હતી. પરંતુ તેઓ તેને મળ્યા નથી અને પેપર અંગે કોઈ વાતચીત પણ થઇ નથી.