અમદાવદ: બાવળાના ઇજનેરને શુક્રવારે અમદાવાદ ACBએ રૂપિયા 40,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે. પોતાના ઘર પાસે ખારી બિસ્કિટનો ધંધો કરતા ફરિયાદીએ વીજળીના થાંભલા પર વાયર નાખી વીજચોરી કરી હતી, ત્યારે UGVCL દ્વારા ચેકીંગ દરમિયાન વીજચોરી જાણ થઈ હતી. જે બાદ UGVCL અધિકારી ફરિયાદીના વાયર કાપીને લઈ ગયા હતા અને બાવળની ઓફિસ ખાતે દંડ ભરવા જણાવ્યું હતું.
અમદાવાદ: બાવળાનો નાયબ ઇજનેર રૂપિયા 40,000ની લાંચ લેતા ઝડપાયો - લાંચિયો મહમંદ જુબેર
અમદાવાદ ACB દ્વારા લાંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરીને કડકપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે વધુ એક અધિકારી લાંચ કેસમાં ઝડપાયો છે. શુક્રવારે બાવળાનો નાયબ ઇજનેર 40,000 રૂપિયાની લાંચ લેતો ઝડપાયો છે.
ફરિયાદી UGCVLના નાયબ ઇજનેર પાસે રજૂઆત કરવા ગયા હતા, ત્યારે નાયબ ઇજનેર મહમંદ જુબેરે જણાવ્યું હતું કે, રૂપિયા 3.5 લાખ દંડ ભરો અથવા રૂપિયા 1.80 લાખની લાંચ આપવી પડશે અંતે રૂપિયા 1.20 લાખની લાંચ આપવાની નક્કી થયું હતું, પરંતુ ફરિયાદી પૈસા આપવા ન ઇચ્છતા તેને ACBને જાણ કરી હતી.
16 જુલાઈના બપોર બાદ રૂપિયા 40,000 આપવા ફરિયાદી જશે તેવું ACBએ છટકું ગોઠવ્યું હતું. નાયબ ઇજનેર વતી અહેમદ વોરા નામનો ખાનગી વ્યક્તિ પૈસા લીધા હતા અને તે પૈસા નાયબ ઇજનેર મહમંદ જુબેરને આપ્યા હતા, ત્યારે ACBએ બંને આરોપીને લાંચ લેતા ઝડપી લીધા હતા. હાલ ACBએ સમગ્ર મામલે બંને આરોપી વિરોધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં લાંચિયા નાયબ ઇજનેરની સંપતિ અંગે પણ તપાસ કરવામાં આવશે.