અમદાવાદ :રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે સોમવારે મોડી રાતથી જ વાતાવરણ ધુમ્મસવાળું હોવાથી દૂરની વિઝિબિલિટી ન હતી. અમદાવાદ એરપોર્ટ પર પણ ધુમ્મસના કારણે 60 ફ્લાઇટ મોડી પડી હતી. 10 ફ્લાઈટ ડાઇવર્ટ અને ચાર ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ફલાઇટોના શિડ્યુલ ખોરવાઈ જતા 10 હજારથી વધુ પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. જેના પગલે એરપોર્ટ પર પ્રવાસીઓનો જમાવડો થઈ ગયો હતો. સોમવારે વહેલી સવારે સમગ્ર અમદાવાદમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી અને વાહનોમાં પણ લાઈટ ચાલુ રાખવી પડી હતી. વિઝિબિલિટી ઘટી જતાં માંડ 10 ફૂટ દૂર જોઈ શકાતું ન હતું.
કડકડતી ઠંડીમાં પ્રવાસીઓ જમીન પર :સોમવારે મોડીરાતથી ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર ફલાઇટના શિડ્યુલ ખોરવાઈ જતા રાતથી પ્રવાસીઓને એરપોર્ટ ઉપર બેસી રહેવાનો વારો આવ્યો હતો. એરપોર્ટના લોન્જ એરિયામાં બેસવા માટે જગ્યાઓ ખૂટી પડતા કડકડતી ઠંડીમાં પ્રવાસીઓ જમીન પર બેસવા મજબૂર બની ગયા હતા. ઉપરાંત દિલ્હીથી અમદાવાદ આવતી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ ધુમ્મસના કારણે ઉતરી નહીં શકતા તેને ઉદેપુર ડાયવર્ટ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :નવસારી જીલ્લામાં ગાઢ ધુમ્મસ સર્જાતા વાતાવરણ બન્યું અહલાદક