નરોડામાં આધેડને દારૂ પીવડાવી હત્યા કરી નાખી અમદાવાદ :શહેરના નરોડા વિસ્તારમાંથી ગુમ થયેલા આધેડની આખરે 40 દિવસ બાદ ભાળ મળી છે. ધંધાકીય હરીફાઈમાં સાથી લેબર કોન્ટ્રાકટરે જ અન્ય આરોપીઓ સાથે મળીને આધેડની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જોકે અનેક પ્રયત્નો બાદ આખરે એક આરોપીને ઝડપવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. જ્યારે ત્રણ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
શું હતો સમગ્ર મામલો : અમદાવાદમાં નરોડા વિસ્તારમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સુરેશભાઈ મહાજન 21મી એપ્રિલના દિવસે હું બહાર કામથી જાઉં છું, તેમ કહીને નીકળ્યા બાદ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તેમ છતાં કોઈપણ ભાળ ન મળતા અંતે તેઓએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. સમગ્ર મામલાને ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા હકીકત સામે આવી હતી કે સુરેશ મહાજનના ગુમ થવા માટેની કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા રણજીત કુશવાહ અને તેની સાથેના અન્ય કેટલાક લોકો સામેલા છે.
નરોડામાં આધેડને દારૂ પીવડાવી હત્યા કરી નાખી ધંધાની અદાવત :પોલીસની ટીમ બિહારના અલગ અલગ જિલ્લાઓમાં તપાસ કરી રહી હતી, તે દરમિયાન આરોપી અરવિંદ મહતો બિહારના નક્સલી વિસ્તારમાં છુપાયેલો હોવાની માહિતી મળતા પોલીસે તેને ઝડપી લીધો હતો. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી, ત્યારે શરૂઆતમાં તે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું હતું કે સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. આ કંપનીમાં રણજીત કુશ્વાહ લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. સુરેશભાઈ પાસે વધુ શ્રમિકો હોવાથી ધંધાની અદાવતમાં રણજીત એ સુરેશ મહાજનને ફાર્મ હાઉસ પર લઈ જવાના બહાને 21મી એપ્રિલ સાંજે સાતેક વાગ્યાની આસપાસ રણજીત તેની ક્રેટા ગાડીમાં સુરજ પાસવાન, અરવિંદ મહતો અને અનુજ પ્રસાદ સાથે અમદાવાદથી ઉદયપુર જવા માટે નીકળ્યા હતા.
આધેડની હત્યા :રાજસ્થાન વાળા હાઇવે પર લઈ જઈ રાત્રિના સમયે ચાલુ ગાડીમાં આરોપીઓએ મૃતકને દારૂ પીવડાવી ઉદયપુર પહેલા સુરજ પાસવાને સુરેશભાઈને માથાના ભાગે હથોડીના ઘા મારી તેમજ રણજીત, સુરજ અને અનુજએ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. બાદમાં થોડા આગળ જઈ રાજસ્થાનના ટીડી ગામની વચ્ચેના ભાગે આવેલા નાળા નીચે મૃતદેહ સંતાડી દીધો હતો. બાદમાં તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
નરોડામાં ધંધાકીય અદાવતમાં આધેડની હત્યા, ભેદ ઉકેલાયો 40 દિવસ પહેલા આધેડ ગુમ થયો હતો, તેને શોધવો મુશ્કેલ હતો અને આ ગુનાની તપાસ કરી ક્રાઈમ બ્રાન્ચે બિહારમાં વેશ પલટો કરીને ત્યાંથી ભાષાની મદદથી એક આરોપીને પકડીને મૃતદેહ કબ્જે કર્યો હતો. આ અંગે નરોડમાં હત્યાનો ગુનો નોંધાયો છે, ઝડપાયેલા આરોપીની પુછપરછ હાથ ધરી અન્યની શોધખોળ હાથ ધરાઈ છે. - ચૈતન્ય મંડલીક (DCP, ક્રાઈમ બ્રાન્ચ)
પોલીસનો વેશ પલટો : પકડાયેલા આરોપી અરવિંદ આ જગ્યા બતાવતા પોલીસે સર્ચ કરીને મૃતદેહ શોધી કાઢ્યો છે. આરોપીઓએ જ્યાં મૃતદેહનો નિકાલ કર્યો હતો, ત્યાં જંગલ વિસ્તાર હતો તેમજ ચિત્તા જેવા જંગલી પ્રાણીઓનો પણ વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ નક્સલી વિસ્તારમાં છુપાયેલા હોવાથી તેમજ સ્થાનિક લોકો મગધી ભાષા બોલતા હોવાથી આરોપીઓ સુધી પહોંચવા પોલીસ માટે એક પડકાર હતો. જેથી પોલીસે સ્થાનિક પહેરવેશ ગમછો અને પોતડી પહેરીને સ્થાનિક વ્યક્તિઓની મદદ લઈને આરોપીને ઝડપી લીધો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી રણજીત રામચંદ્ર કુશવાહ, સુરજ બાલ્મિકી પાસવાન અને અનુજકુમાર પ્રસાદ ને પકડવામાં માટે ચક્રો ગતિમાન કર્યા છે.
- Rajkot Crime : રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાંથી આવ્યા બાદ પતિએ પત્નીને છરીના ઘા મારી કરી હત્યા
- Dahod Crime : સાસરિયાના ત્રાસથી કંટાળીને બે માસૂમ બાળકોની હત્યા કરીને પિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- Rajkot Crime: માતાએ બે બાળકોની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લીધી, વીડિયો FB પર પોસ્ટ કર્યો