- ACBએ લાંચના મામલે તાપી DEO અને ક્લાર્કની ધરપકડ કરી
- સ્કૂલ સંચાલકે ફરિયાદ કરતા ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું
- શિક્ષણ અધિકારીના ઘરમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી
અમદાવાદ: ACBએ રૂપિયા 10 લાખની લાંચના મામલે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્કની ધરપકડ કરી છે. તાપી જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્કે સ્કૂલ સંચાલક પાસે 10 લાખની લાંચની માંગણી કરી નોટિસ દફતરે કરવાની ખાતરી આપી હતી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામની વિધાયકુંજ શાળાને આપેલી નોટિસ પરત ખેંચવા 10 લાખની લાંચ લેવાના આરોપમાં તાપીના શિક્ષણાધિકારી બી.એમ.પટેલની અને અન્ય એક કર્મચારીની ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ઇન્સ્પેકશનમાં કેટલાંક મુદ્દાઓ માટે શાળાને નોટિસ
એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક નીરવ ગોહિલના જણાવ્યા અનુસાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરત પટેલે વિધાયકુંજ શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં પટેલે પોતાના ઇન્સ્પેકશનમાં સામે આવેલા કેટલાંક મુદ્દાઓ માટે શાળાને નોટિસ આપી હતી. આ તમામ મુદ્દાઓ અંગે શાળા તરફથી જવાબ આપવામાં આવ્યો હતો. આમ છતાં પટેલે ફરીથી કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતા સાથે ફરીથી શાળાના આચાર્યને નોટિસ આપી હતી. સ્કૂલ સંચાલકે આ મામલે ફરિયાદ કરતા ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું પણ આરોપીને ગંધ આવી જતા લાંચની રકમ સ્વીકારી નહોતી, પરંતુ સાંયોગિત પુરાવાના આધારે ACBએ લાંચની માંગણી અંગેનો કેસ કરી બન્ને આરોપીને ઝડપી લીધા છે. જેમાં ઝડપાયેલા આરોપી તાપી જિલ્લા શિક્ષણ અધિકારી ભરત મંગળ પટેલના વ્યારા સ્થિત મકાનમાંથી સર્ચ દરમિયાન ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.