અમદાવાદ: જિલ્લાના મકરબા વિસ્તારમાં રહેતો 20 વર્ષનો આકાશ ગોવિંદ ગુપ્તા દોડની વિવિધ સ્પર્ધાઓમાં ચારેક વર્ષથી ભાગ લઇ રહ્યો છે અને વિવિધ ઈનામ-ટ્રોફી જીતી પણ રહ્યો છે. દોડની રમતમાં ઊતરેલા આકાશ માટે તે જાણે ધરતી પરનો સૌથી અદકેરો આનંદ છે. જેમાં તે સતત વધુ સારી દોડ લગાવવા અંગે પ્લાનિંગ કરતો રહે છે.
આકાશ ગોવિંદ ગુપ્તાએ થાણેમાં યોજાયેલી દોડમાં ગુજરાતનું નામ રોશન કર્યુ આકાશની ધરતી પરની દોડની સફળતાની વાત કરીએ તો તેણે 15 વર્ષની વયથી એથ્લેટિકમાં રસ લેવાનું શરુ કર્યું અને સ્પોર્ટ્સના વિષયમાં દસમા ધોરણ પછી ડિપ્લોમા કરવાનું શરુ કર્યું. તેની નોંધપાત્ર સિદ્ધિઓની શરુઆત 2019થી થઈ હતી. આકાશે ગત વર્ષે બી સફલ મેરેથોનમાં ભાગ લીધો હતો. જેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નવેમ્બર 2019માં અદાણી મેરેથોનમાં પાર્ટિસિપેશન કર્યું હતું. જ્યારે વડોદરામાં યોજાયેલા રીલાયન્સ યૂથ સ્પોર્ટ્સમાં 5000 મીટર દોડમાં પ્રથમ આવ્યો હતો. તે ઉપરાંત સુગર ફ્રી સાયક્લોથોનમાં પણ ભાગ લીધો હતો. ETV Bharat સાથેની વાતચીતમાં આકાશે જણાવ્યું હતું કે, તે અનેક રનિંગ ઇવેન્ટમાં ભાગ લઇ ચૂક્યો છે. દોડની સાથે રીવર્સ દોડ-ઊંધી દોડ તેની અલગ જ ખાસિયત છે.2020ના વર્ષમાં પણ આકાશે પોતાનું તેજ પ્રકાશી દીધું છે. મહારાષ્ટ્ર-ગુજરાતના ખેલાડીઓ માટે એક ખાસ ઇવેન્ટ ‘દોડતી કા નામ જિંદગી’ 8-9 ફેબ્રુઆરીએ થાણેમાં યોજાઇ હતી. આ રનિંગ ઈવેન્ટમાં કુલ 30 રનર્સે ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઇવેન્ટમાં ગુજરાતમાંથી એકમાત્ર રનર્સ તો તે હતો જ, સાથે કુલ સ્પર્ધકોમાં સૌથી નાની વયનો, 20 વર્ષનો તે એકમાત્ર રનર હતો. આ દોડમાં તે 310 કિલોમીટર દોડ્યો અને તેમાં પણ કુલ 55 કિલોમીટર રીવર્સમાં દોડ્યો-ઊંધી દોડ લગાવી હતી.ગુજરાતના ઊભરી રહેલા આશાસ્પદ ખેલાડીઓમાં આકાશનું નામ મૂકાઈ રહ્યું છે, ત્યારે આકાશે જણાવ્યાં પ્રમાણે આકાશનું ગીનીસ વર્લ્ડ રેકોર્ડઝ ઓફ બૂક તરફથી નોમિનેશન પણ 15 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. આકાશ રનર તરીકે ખેલાડી છે, પણ તેણે જીમનો દરવાજો પણ જોયો નથી, તે જાતે જ જાહેર સ્થળોએ જ દોડવાનો અભ્યાસ કરે છે. આકાશ જો કે, ડાયટનું ધ્યાન રાખે છે અને બહારનું જમવાનું તેમ જ ફાસ્ટફૂડ સદંતર ટાળે છે. શાકાહારી પરિવારનો આકાશ ઘરનું રોજિંદું ભોજન લેવા સાથે સવારમાં એક ગ્લાસ દૂધ અને પાંચ કેળા નિયમિતપણે પોતાના ડાયટમાં સામેલ રાખે છે.