અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી તામિલ ભાષાની શાળાને બંધ કરવાના મામલે એક પછી એક સંગઠનો વિદ્યાર્થીઓની વ્હારે આવતા જાય છે. ખુદ તામિલનાડુની સરકારે શાળા ચલાવવાનો ખર્ચ ઉઠાવવા તૈયારી બતાવી હોવા છતાં કોઇ જ પરિણામ આવ્યું નથી. પરિણામે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ બુધવારના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
હાલ શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેમ છે. જે કારણે વિદ્યાર્થીઓના હિતમાં એકમાત્ર તામિલ શાળા તાત્કાલિક શરૂ કરવા માંગણી કરી છે. અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી રાજયની એક માત્ર તામિલ ભાષાની શાળાને બંધ કરવા અમદાવાદ શહેરના DEO તરફથી હુકમ કરવામાં આવ્યો છે.
આ હુકમ સામે વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત સ્વૈચ્છિક સંસ્થાએ શહેર DEOથી લઇને સ્કૂલ ઓફ કમિશનર ઉપરાંત સરકારમાં વિવિધ સ્થળોએ રજૂઆત કરી છે. આ વિવાદ છેક તામિલનાડુ સરકાર સુધી પહોંચ્યો હતો. તેને ધ્યાનમાં લઇને તામિલનાડુના મુખ્યપ્રધાને CM વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. જેમાં ગુજરાતના વિકાસમાં સહયોગ આપનારા તામિલનાડુના પ્રવાસી રહીશોના બાળકો માટે શાળા ચાલુ રાખવા વિનંતી કરવામાં આવી હતી અને શાળાનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી. તેમ છતાં કોઇ જ પરિણામ આવ્યું નથી.
બુધવારે કોંગ્રેસના અમદાવાદ શહેરના 3 ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, હિંમતસિંહ પટેલ તથા ઇમરાન ખેડાવાલાએ ગુજરાતના CM વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતની એક માત્ર તામિલ ભાષામાં શિક્ષણ આપતી અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી ભાષાકીય લઘુમતીની અમદાવાદ તામિલ હાઇસ્કૂલ અર્ધસત્રમાં બંધ કરવામાં આવી છે. તામિલ શાળામાં અભ્યાસ કરતા બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં રોજગારી ગુમાવી બેઠેલાં અસંગઠિત ક્ષેત્રના વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભાવિ અંધકારમયી બને તેમ છે. આ શાળા ચાલુ રાખવાનો તમામ ખર્ચ તામિલનાડુ સરકારે આપવાની જાહેરાત કર્યા બાદ સરકારને તેની જાણ કરવા છતાં, આ શાળા ઔપચારિક રીતે શરૂ કરવાનો કોઇ નિર્ણય કે વિચાર કર્યો નથી. જેથી છેલ્લાં બે મહિનાથી તામિલ ભાષી વિદ્યાર્થીઓનું વર્ગ ખંડમાં અને ઓનલાઇન શિક્ષણ બગડી રહ્યું છે અને 31 વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તેમ છે. આ અંતર્ગત વિદ્યાર્થીઓના હિતમાં અમદાવાદની એકમાત્ર તામિલ શાળા તાકીદે શરૂ કરવા વિનંતી કરી છે.
તામિલ શાળા વિવાદનો સમગ્ર ઘટનાક્રમ
08 સપ્ટેમ્બર -ગુજરાતની એકમાત્ર તામિલ સ્કૂલ ઇતિહાસ બનશે, સ્કૂલ બંધ ન થાય તે માટે વિદ્યાર્થીઓએ શિક્ષણપ્રધાનને રજૂઆત કરી