અહેમદ પટેલે જુબાનીમાં જણાવ્યું કે, અમે કોઈપણ ધારાસભ્યને લાંચ આપી કે ડરાવ્યા-ધમકાવ્યા નથી. 44 ધારાસભ્યોને બેંગલોર મોકલવાનો નિર્ણય મારો નથી પરતું કોગ્રેસ પ્રદેશ કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો. ધારાસભ્ય જ્યારે બેંગલોરમાં હતા ત્યારે વ્યકિતગત સંપર્ક ન હોવાનો પણ એકરાર કર્યો હતો. પૂર્વ ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા માહિતી આપવામાં આવતી હોવાની કબુલાત કરી હતી. હાઈ-કમાન્ડની બેઠકમાં રાજ્યસભા માટે નામ નક્કી થતાં 27મી ઓગસ્ટના રોજ સૌ-પહેલાં બળવંતસિંહ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું.
બળવંતસિંહ રાજપુતના વકીલ સત્યપાલ જૈને આક્ષેપ કર્યો કે, ધારાસભ્યોના બળજબરીપૂર્વક મત મેળવવા માટે પોલિંગ એજન્ટ શકિતસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા દ્વારા વ્હીપ ઈશ્યુ કરી અહેમદ પટેલને મત આપવા ડરાવવા-ધમકાવવાનો આરોપ અહેમદ પટેલે ફગાવી દીધો હતો. ધારાસભ્યોને જ્યારે બેંગલોર મોકલાવાના નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ભરતસિંહ સોલંકીને આવું કઈ ન કરવાની ભલામણ કરી હતી. ધારાસભ્યોના બેંગલોર પહોચ્યા બાદ ત્યારથી અમદાવાદ પરત ફર્યા ત્યાં સુધી વ્યકિતગતરૂપે કોઈ ધારાસભ્ય મને ન મળ્યા હોવાની જુબાની કોર્ટ સમક્ષ આપી હતી. એટલું જ નહી પણ ધારાસભ્યો બેંગલોરમાં શું કરી રહ્યાં છે તેની તપાસ પણ કરી નથી.