- અમદાવાદમાં રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર કરનારની ધરપકડ
- આરોપીએ 9 હજારમાં ઇન્જેક્શન ખરીદી 11 હજારમાં વેચવાનું સામે આવ્યું
- એક થેલામાં તપાસ કરતા છ નંગ ઇન્જેક્શન મળી આવ્યા
અમદાવાદ :શહેરમાં પોલીસે વધુ એક વાર રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર કરનારની ધરપકડ કરી હતી. એક શખ્સની છ ઇન્જેક્શન સાથે ધરપકડ કરી હતી. સુરતના ડૉક્ટર અને જુહાપુરાની મહિલાનું નામ ખુલ્યું હતું. આરોપીએ 9 હજાર અને 8 હજારમાં ઇન્જેક્શન ખરીદી 11 હજારમાં વેચવાનું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
શખ્સે ગેરકાયદેસર રીતે આ જથ્થો મેળવી તેની કૃત્રિમ અછત ઉભી કરી
ઝોન 1 DCPની સ્કવોડને બાતમી મળી કે, એક શખ્સ રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજાર કરી રહ્યો છે. શખ્સે ગેરકાયદેસર રીતે આ જથ્થો મેળવી તેની કૃત્રિમ અછત ઉભી કરી હતી. તે માટે કોઈપણ પ્રકારના દવાના ઉપયોગમાં લેવાતા ખરીદ વેચાણનું લાયસન્સ ન ધરાવતો હોવા છતાં તે ઇન્જેકશનનું વેચાણ કરે છે.
આ પણ વાંચો : સુરતમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી આરોપીઓના કેસ નહી લડવાનો નિર્ણય
એક થેલામાં તપાસ કરતા છ નંગ ઇન્જેક્શન મળી આવ્યા
કારગિલ પેટ્રોલ પંપની સામેથી સરખેજ ગામમાં રહેતો જય શાહ ઝડપાયો. જેની પાસેથી એક થેલામાં તપાસ કરતા છ નંગ ઇન્જેક્શન મળી આવ્યા હતા. જેમાં વાદળી કલરના બુચ વાળા બે ઇજેક્શન ભરેલા હતા અને લાલ કલરના બૂચ વાળા બે ઇન્જેક્શન પ્રવાહી ભરેલા હતા. સફેદ કલરના બૂચ વાળા બે ઇન્જેક્શન પાવડર ભરેલા હતા.
કાળા બજારમાં વેચવા માટે 9 હજાર લેખે 54 હજારમાં ઇન્જેક્શન મંગાવ્યા
જય શાહ પાસે આ ઇંજેક્શન રાખવાનું બિલ કે આધાર પુરાવા માગતાં તેની પાસે આવા કોઈ ડોક્યુમેન્ટ મળી આવ્યા ન હતા. જેથી તેની અટકાયત કરીને વધુ પૂછપરછ કરી હતી. આ ઇંજેક્શન તેણે સુરતના ડૉક્ટર મિલન સુતરીયા પાસેથી કાળા બજારમાં વેચવા માટે 9 હજાર લેખે ઇન્જેક્શન 54 હજારમાં મંગાવ્યા હતા. તે પેમેન્ટ તેને ગુગલ પે અને બેંક ટ્રાન્સફરથી ચૂકવ્યા હતા. જે પૈકીના બે ઇન્જેક્શન આરોપીએ તેની માતા શકુંતલા બહેનને આપ્યા હતા.