લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે હાલમાં પ્રવેશ પ્રક્રિયા સહિતની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થતા પ્રવેશ સમિતિ દ્વારા સમગ્ર કાર્યવાહીને આખરી ઓપ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રવેશ સમિતિના સૂત્રોએ કહ્યું કે, કોમર્સ કોલેજોમાં પ્રવેશ માટે આગામી ત્રણથી ચાર દિવસમાં બૂકલેટ વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. આ ઉપરાંત ગતવર્ષે કઇ કોમર્સ કોલેજમાંથી કેટલી પીન વિતરણ થઇ તેની વિગતો પણ એક્ઠી કરી દેવામાં આવી છે.
આવતીકાલથી શરૂ થશે ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા - AMD
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોમર્સ, સાયન્સ સહિતની કોલેજોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા આગામી 1 મે સુધીમાં શરૂ કરવામાં આવશે. આગામી બે-ત્રણ દિવસમાં વેબસાઇટ પર પ્રવેશ અંગેની બૂકલેટ મુકી દેવામાં આવશે. આ ઉપરાંત કોલેજોમાંથી પીન વિતરણની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. જો કે, આ વખતે પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો માત્ર એક જ રાઉન્ડ કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશની જવાબદારી કોલેજોને સોંપી દેવાનું નક્કી કરાયું છે.
ગતવર્ષની જેમ જ આ વર્ષે પણ દરેક કોલેજોમાંથી પીન વિતરણ કરવામાં આવશે. એટલે કે કોમર્સ કોલેજમાંથી કોમર્સ અને આર્ટસ, બીબીએ કોલેજોમાંથી તેની પીન વિતરણ કરાશે. પહેલા તબક્કામાં ગતવર્ષે ધો.12 પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. પ્રવેશના નિયમો હાલમાં તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ગતવર્ષે પ્રવેશના બે રાઉન્ડ પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઇન કરવામાં આવ્યા હતા. જયારે આ વર્ષે માત્ર એક જ રાઉન્ડ પ્રવેશ સમિતિ દ્વારા કરવાનું નક્કી કરાયું છે. એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો ભરવાની સત્તા કોલેજ સંચાલકોને સોંપી દેવામાં આવશે.
ગત વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ત્યારે આ પ્રકારના નિર્ણયની જાહેરાત કરી હતી, પરંતુ પાછળથી ભારે વિવાદ અને વિરોધ થતાં પ્રવેશ સમિતિ દ્વારા બે રાઉન્ડ કરવા પડયા હતા. આ વખતે ઓનલાઇન પ્રક્રિયાનો એક જ રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. આગામી દિવસોમાં પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. પ્રવેશ સમિતિના સૂત્રો કહ્યું કે, પહેલા રાઉન્ડમાં 70 થી 80 ટકા બેઠકો ભરાઇ જતી હોવાથી બીજો રાઉન્ડ કરવાના બદલે ખાલી બેઠકો ભરવા માટે કોલેજને આપી દેવામાં આવશે.