અમદાવાદ :હવામાન વિભાગનીઆગાહી પ્રમાણેઆજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે તો કેટલાક જગ્યાઓ પર ભારે વરસાદ જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ રહેવાની સંભાવના છે. આજે સવારથી જ સમગ્ર ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજના દિવસ માટે સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે, તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ કહેર મચાવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આટલા દિવસ સુધી રહેશે કમોસમી વરસાદ - હવામાન વિભાગ
ગુજરાતમાં ફરી એકવખત માવઠાનો માહોલ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ સાથે કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. શિયાળા દરમિયાન વરસાદ આવતા વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં કેટલાક સ્થળો પર વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે.
Published : Nov 26, 2023, 3:59 PM IST
રાજ્યમાં હજી પણ કમોસમી વરસાદ પડશે : આજે વહેલી સવારથી જ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદને કારણે એક તરફ ખેડૂતોમાં ચિંતા વધી છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે શિયાળુ પાકને લઈને નુકશાનની ભીતિમાં ખેડૂતોમાં ભયનું મોજું ફરી વળ્યુ છે. ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. આગાહી મુજબ રાજ્યમાં આજે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ રહી શકે છે. વરસાદ સહિત વીજળી અને પવન સાથે 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે સામાન્ય વાવાઝોડું અને ગાજવીજના ચમકારા પણ જોવા મળી શકે છે.
માછીમારોને દરિયાથી દુર રહેવા સૂચન કરાયું : સ્થાનિક હવામાન વિભાગે વધુમાં કમોસમી વરસાદ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઇસ્ટરલી ટ્રફના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના છે. આ બે દિવસ દરમિયાન આજે ગુજરાતભરમાં મધ્યમ કે ભારે વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે આવતી કાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે. જોકે પવનની ગતિને જોતા દક્ષિણ ગુજરાતનાં માછીમારોને આજના દિવસે દરિયો ન ખેડવા જવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.