અમદાવાદ: કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યામાં બીજા ક્રમે આવેલા ગુજરાતમાં 23મી એપ્રિલ સવારના 9 વાગ્યા સુધીમાં કુલ 95 લોકોના મોત થયા છે. જે પૈકી 24 દર્દીઓને કોઈ કો-મોરબીડીટી એટલે કે, કોરોના સિવાય કોઈ અન્ય બીમારી ન હોવા છતાં તેમના મોત થયા છે. જોકે મોટાભાગના કિસ્સામાં દર્દીઓની વય 50 કરતા વધુ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતે કોરોનાથી થતાં મૃત્યુના કિસ્સામાં મધ્ય પ્રદેશને પાછળ રાખી બીજા સ્થાને આવ્યું છે. સૌથી વધુ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે છે.
રાજ્યમાં કોરોનાથી થયેલી કુલ 95 મોત પૈકી 71 દર્દીઓને અન્ય બીમારીઓ જેમ કે હાઈ-બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હદય, ફેફસાં સંબંધિત સહિત અન્ય તકલીફ હોવાનું સામે આવ્યું છે.
આ મુદ્દે વાતચીત કરતા આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે કોરોનાથી થતા મૃત્યુમાં કો-મોરબીટી એટલે કે અન્ય કોઈ બીમારી હોય તેવા વધું કિસ્સા સામે આવ્યા છે. ઉંમર 60ની વધુ હોય તેવા લોકોને પણ વધુ કાળજી રાખવાની જરૂર છે. સગર્ભા મહિલા અને 5 વર્ષથી નાની વયના બાળકો પર બીમારી ગંભીર રીતે અસર કરે છે.
દરેક વયના વ્યક્તિઓએ બહાર જવાનું ટાળવું જોઈએ અને આર્યુવેદીક ઉકાળાનું સેવન કરવું જોઈએ જેથી રોગપ્રતિકાર શક્તિમાં વધારો થઈ શકે.