ગુજરાત

gujarat

ETV Bharat / state

AAP and Congress alliance : ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન કોને કેટલું ફાયદાકારક ?

રાજકારણમાં કોઈ કોઈના દોસ્ત કે દુશ્મન હોતા નથી. એક વિચારધારાની લડાઈ હોય છે અને કયારેક આ વિચારધારાને બાજુએ મૂકીને રાજકીય પક્ષો ફાયદા માટે એક થઈ જતા હોય છે. લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં એક સાથે મળીને ચૂંટણી લડશે. એમાં કોણ, કયા અને કેટલું ફાવશે ? ઈટીવી ભારતનો વિશેષ અહેવાલ...

By

Published : Aug 7, 2023, 8:34 PM IST

Updated : Aug 7, 2023, 10:31 PM IST

AAP and Congress alliance
AAP and Congress alliance

અમદાવાદ :આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ સત્તાવાર જાહેરાત કરી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે. INDIA ગઠબંધન થયા પછી આમ આદમી પાર્ટીએ આ નિર્ણય લીધો છે.

લીડર કોણ બનશે ? 2024 માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપે જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે. જ્યારે બીજી તરફ વિપક્ષો એક થયા છે અને INDIA ગઠબંધન થયું છે. જોકે, હજી એવી કોઈ સોલીડ કહી શકાય તેવી સમજૂતી થઈ નથી. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે 26 વિપક્ષો ભેગા થયા છે. પરંતુ હજી લીડર કોણ બનશે તેનો મનભેદ ચાલી રહ્યો છે. વડાપ્રધાન પદના દાવેદારનું નામ ચર્ચામાં છે, પણ હજી કોઈ નક્કર રીતે કહી શકતું નથી. બધાને એમ છે કે હું જ વડાપ્રધાન પદનો દાવેદાર બનીશ. કેટલી સફળતા મળશે? તે કોઈને ખબર નથી.

આપની પહેલ : જોકે, લોકસભાની ચૂંટણી 2024માં લડવા માટે આમ આદમી પાર્ટીએ INDIA ગઠબંધનમાં સૌથી પહેલા પહેલ કરી નાખી છે. કોંગ્રેસ સાથેના ગઠબંધનની પ્રદેશ લેવલે જ જાહેરાત કરી દીધી છે. જો કે આ જાહેરાત દિલ્હીથી થવી જોઈએ, તેના સ્થાને અમદાવાદથી આપના પ્રદેશ પ્રમુખે કરી છે. તેમને દિલ્હીથી ઈશારો હશે, તે પછી જ તેમણે સત્તાવાર જાહેરાત કરી હશે.

વિપક્ષે કમર કસી :ગુજરાતમાં ભાજપ બે ટર્મથી લોકસભામાં કુલ 26 માંથી 26 બેઠક જીતી છે. હવે 2024 માં ચૂંટણી આવી રહી છે. ભાજપની આ હેટ્રીકમાં 26 માંથી 26 બેઠક જીતી ન શકે તે માટે વિપક્ષે કમર કસી છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ લીધો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. વિપક્ષનું નામોનિશાન રહ્યું નથી. આવા સંજોગોમાં આ ગઠબંધનની જાહેરાતથી ભાજપમાં ચર્ચા તો થઈ જ હશે.

ગુજરાતમાં કોનો દબદબો ?ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં કુલ 182 બેઠકમાંથી 156 બેઠક ભાજપે કબજે કરીને ઈતિહાસ રચ્ચો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠક મળી હતી. આમ આદમી પાર્ટીએ 5 બેઠક જીતીને ખાતુ ખોલાવ્યું હતું. એક બેઠક સમાજવાદી પાર્ટી અને 3 બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. આ ચૂંટણીના તાજેતરના પરિણામ બતાવે છે કે, ગુજરાતમાં ભાજપનો દબદબો છે.

ગઠબંધન સફળ રહેશે ? હવે જ્યારે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપ 26 માંથી 26 બેઠક જીતી ન શકે તે માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભેગા મળીને કમર કસી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્ને ભેગા મળશે તો બંનેને ફાયદો થશે કે નુકસાન એ તો મતદારો જ નક્કી કરશે. કારણ કે, અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવી હતી અને કોંગ્રેસને મત ન આપવા કહ્યું હતું. કોંગ્રેસને મત આપવો તે કચરા ટોપલીમાં મત નાંખવા બરાબર છે, એવું અરવિંદ કેજરીવાલનું નિવેદન હતું. હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે.

ક્યાં સુધી પક્ષપલટો ? ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી આપના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસમાં આવ્યા છે. જોકે, હવે ગઠબંધન થયા પછી આવનજાવનનું શું થશે? તે એક સવાલ ઉભો થશે.

હાલ આ ગઠબંધનથી ફાયદાની વાત કરવી ઉતાવળી ગણાશે. પણ ભાજપના રાજમાં મોંઘવારી અને બેરોજગારી દૂર કરવા ખૂબ જરૂરી છે. મણીપુરના તોફાનો, જાતિવાદી વલણ તેનાથી દેશને બચાવવો છે. દેશની સંપત્તિને બચાવવી છે. આ બધા કારણોસર અમે લોકસભાની ચૂંટણી લડીશું અને એક થઈને લડીશું.-- ઈશુદાન ગઢવી (પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી)

કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય : પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન એ કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરતું હોય છે. જેમાં ગુજરાતના કોઈ નેતાનો રોલ રહેતો નથી. આમાં ઈશુદાન કે ગુજરાત કોંગ્રેસ કોઈપણ પ્રકારનો નિર્ણય લઈ શકે નહીં. પરંતુ INDIA નું નેતૃત્વ આ અંગે નિર્ણય લેશે. જે પણ નિર્ણય લેવામાં આવશે તે દેશ અને દેશની જનતાના હિત માટે જ નિર્ણય લેશે. હાલમાં આમ આદમી પાર્ટીના આવા નિવેદનથી દૂર રહેવું જોઈએ.

ભાજપ પ્રવક્તાના ચાબખા :ભાજપ પ્રવક્તા ડો. ઋત્વિજ પટેલે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારથી આમ આદમી પાર્ટીનો ઉદભવ થયો છે, ત્યાંથી તે કોંગ્રેસની સાથે જ હતી. આ ગઠબંધન થવું એ કોઈ નવાઈની વાત નથી. આ પહેલા પણ તમામ વિપક્ષો એક થઈને ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો પ્રયત્ન કરતા હતા. માત્ર હવે તે લોકોએ જાહેર જ કર્યું છે કે, અમે બધા એક થઈને એક ઇન્ડિયા નામ આપ્યું છે.

ભાજપનો આત્મવિશ્વાસ :ડો. ઋત્વિજ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની રાજનીતિ કરી રહ્યા છે. આજે દેશ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં અને 26 માંથી 26 બેઠકો જીત્યા છે. આ વખતની ચૂંટણીમાં પણ અમે 26 માંથી 26 બેઠકો પર જીત મેળવીશું. પૂર્ણ બહુમતી સાથે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનશે તેવો વિશ્વાસ છે.

રાજકીય ક્ષેત્રે ગરમાવો : આજની આ જાહેરાત પ્રાથમિક છે. હજી તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠક મળશે અને તેમાં બેઠકની ફાળવણીથી માંડીને કઈ બેઠક પર કોણ ઉમેદવાર લડશે, તે બધી બાબતો ચર્ચા થશે. ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. આ બધી પ્રોસીજરમાં કેટલી સંમતિ બનશે, તે હાલ કહી શકાય નહીં. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થઈને લોકસભાની ચૂંટણી લડશે, તે જાહેરાતથી રાજકીય ક્ષેત્રે ગરમાવો તો લાવી દીધો છે. ઉપરાંત રાજકીય પંડિતોને વિચારતા કરી મુક્યા છે.

  1. AAP-Congress Alliance: ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન - ઇશુદાન ગઢવી
  2. Pradipsinh Vaghela Resign: ભાજપ પ્રદેશ મહામંત્રી તરીકે પ્રદીપસિંહ વાઘેલાની હકાલપટ્ટી, થોડા દિવસ પહેલા જ રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું.
Last Updated : Aug 7, 2023, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details