અમદાવાદ:સિંધુભવન રોડ પર નબીરાઓ અનેક વાર કાયદાને હાથમાં લેતા હોય તેવી ઘટનાઓ સામે આવી છે, જોકે પોલીસ દ્વારા તેઓને પકડીને કાયદાનો પાઠ પણ દર વખતે ભણાવવામાં આવતો હોય છે. તેવામાં સરખેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાત્રીના સમયે સિંધુ ભવન રોડ પર ઓક્સિજન પાર્કની પાસે જાહેર રોડ પર એક વર્ના કારમાં કાચ પર બ્લેક ફિલ્મ લાગેલી નજરે પડી હતી, જેથી પોલીસે કારને રોકતા તેમાં આગળના ભાગે ડેશબોર્ડ પર MLA ગુજરાત લખેલી પ્લેટ મળી આવી હતી.
પરિવારમાં કોણ ધારાસભ્ય છે?સરખેજ પોલીસે કારને રોકી તપાસ કરતા તે કાર માનવસિંહ ચાવડા નામનો ગાંધીનગરનો એક રહેવાસી યુવક ચલાવતો હોવાનું જાણવા મળ્યુ હતું. તેણે MLA ગુજરાત પ્લેટ લગાવી હોવાથી તે કે તેના પરિવારમાં કોણ ધારાસભ્ય છે? તે અંગે પુછતા કોઈ પણ પરિવારજન ધારાસભ્ય ન હોવાની હકિકત ધ્યાને આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તે સમયે ત્યાંથી ઝોન 7 ડીસીપી બી.યુ જાડેજા પસાર થતા તેઓએ આ બાબત જોતા અને યુવકે માત્ર રોફ જમાવવા માટે આ પ્રકારે ગાડીમાં પ્લેટ લગાવી હોવાની હકિકત સામે આવતા લાલ આંખ કરી હતી.
કડક કાર્યવાહીનો આદેશ: ઝોન 7 ડીસીપીએ આ અંગે સરખેજ પોલીસને કડક કાર્યવાહીનો આદેશ કરતા સરખેજ પોલીસે યુવક સામે IPCની કલમ 177, 188 હેઠળ ગુનો નોંધી યુવકની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. આ મામલે પકડાયેલો 21 વર્ષીય યુવક અભ્યાસ કરતો હોવાનું અને તેના પિતા કોન્ટ્રાક્ટર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરી કોઈ પણ યુવકને આ રીતે ખોટી નેમ પ્લેટ ન લગાવવા સૂચન કર્યું છે.
ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત: આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનનાં પી.આઈ વી.જે ચાવડાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવક પોતે કે તેના પરિવારમાં કોઈ ધારાસભ્ય ન હોવા છતાં આ પ્લેટ લગાવીને ફરતો હોવાથી તેની સામે ગુનો દાખલ કરવામા આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ આ રીતે જે પદ પર પોતે ન હોય તેવી પ્લેટ લગાવીને ન ફરે તેવી અમારી અપીલ છે. છતાં આવુ કૃત્ય કરતા કોઈ ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
- Lawrence Bishnoi: ગુજરાતમાં ડ્રગ્સનું રેકેટના કેસમાં લોરેન્સ બીશ્નોઈને ફરી નલિયા કોર્ટમાં કરાશે હાજર
- Ahmedabad bogus certificate scam: બોગસ સર્ટીનો આંકડો 300ને પાર જવાની વકી.. અનેક રાજ્યોમાં તપાસ શરૂ...
- Cyclone Mocha: સાવધાન! ચક્રવાત મોકાની અસરથી થઈ શકે ધોધમાર વરસાદ, બંગાળ-ઓડિશા સહિત આ રાજ્યોમાં એલર્ટ, દિલ્હીમાં ફૂંકાશે તેજ પવન