અમદાવાદઃ શહેર અને તેના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ખાવા-પીવાની અછતની જાણ થતા ગુજરાત હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેએ તેમના મિત્ર વર્ગ થકી 11 લોકો સાથે મળીને 20 જેટલા ગામના લોકોને મદદ કરી છે. જેમાં 2800થી વધુ જરૂરિયાતમંદ પરિવારો સામેલ છે. લોકોની મદદ માટે બહાર નીકળ્યા, ત્યારે અમદાવાદ સિવાય અન્ય ગ્રામીણ વિસ્તારમાં સ્થિતિ વધુ ખરાબ હોવાની જાણ થતાં લગભગ એક મહિનાના સમયગાળામાં સાબરકાંઠા, ખેડા, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાના 20 ગામડાઓમાં શ્રમિક પરિવારોને રાશન કીટ પૂરી પાડી છે.
આ મુ્દ્દે વાતચીત કરતા ઉત્કર્ષ દવેએ જણાવ્યુ હતું કે, જ્યારે અમને લોકોની સ્થિતિની જાણ થઈ ત્યારે મિત્ર વર્ગ સાથે મળીને ખાવવા-પીવાની કરિયાણાની કીટ તૈયાર કરાવી. લોકોની મદદ કરવા જ્યારે બહાર નીકળ્યા ત્યારે ઘણા ગામડાઓમાં પરિસ્થિતિ ઘણી વિકટ હોવાનો ખ્યાલ આવ્યો હતો. જોકે આમાં પોલીસ અને વહીવટીતંત્રનો પણ ઘણો સહયોગ રહ્યો હતો. ઘણા ગામડાઓમાં પોલીસ પણ અમારી સાથે મદદ માટે આવી હતી.
કોરોના મહામારી વચ્ચે અમદાવાદનો યુવાન 20 ગામના વ્હારે આવ્યો - latest news of ahmedabad
કોરોના મહામારી વચ્ચે કેટલીક કંપનીઓમાં લોકોએ નોકરી ગુમાવી છે, તો કેટલાકના પગારમાં કપાત કરવામાં આવી છે. પરંતુ આવા સંકટના સમયમાં અમદાવાદના યુવાને 20 ગામના વ્હારે આવી રાશન કીટ પૂરી પાડી છે. 2800 જેટલી કીટનું વિતરણ કરી 11 હજારથી વધુ લોકોની મદદ કરી છે.
લૉકડાઉનમાં ધંધો-રોજગાર ઠપ્પ થતા સૌથી વધુ મુશ્કેલીનો સામનો શ્રમિક પરિવારોને કરવો પડી રહ્યો છે. તેમને ખાવા-પીવાના વાંધા છે. આ સ્થિતિ જોવા ક્યાંય વધુ દૂર જવાની જરૂર નથી. અમદાવાદના નારોલ અને વટવા GIDCમાં પણ પરિસ્થિતિનો ખ્યાલ આવી જશે. શહેરી વિસ્તારમાં આવી સ્થિતિ જોયા મહુડા, ઠાસરા, વીરપુર, બાયડ બોરસદ, પેટલાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના ગામડાઓમાં શ્રમિક અને ઘર-વિહોણા લોકોની મદદ કરી હતી.
નોંધનીય છે કે, સરકાર આર્થિક રીતે નબળા, ગરીબ અને ઘર વિહોણા લોકોને એપ્રિલ મહિના માટે રાશન થકી મદદ કરી રહી છે પરંતુ અંતરયાળ વિસ્તારમાં ઘણીવાર મદદ પહોંચતી નથી અથવા તો ઘણીવાર લોકો પાસે ઓળખ માટેના પૂરતા દસ્તાવેજ હોતાં નથી તેવી સ્થિતિમાં લોકો લાભથી વંચિત રહી જતાં હોય છે ત્યારે સેવાભાવી લોકો જ કામ આવે છે.