અમદાવાદ : શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં બસની સુવિધા આપવામાં આવે છે. પરંતુ આ સુવિધા ક્યાંક ને ક્યાંક લોકો માટે અસુવિધા ઉભી થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લાં ઘણા સમયથી અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બસ થકી અકસ્માત સર્જાતા હોય છે. જેમાં અનેક લોકોના મોત તેમજ ઇજાગ્રસ્ત થતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આજે વધુ એક હીરાવાડી વિસ્તારમાં એમટીએસ બસે એક યુવકને હડફેટે લેતા તેનું મોત થયું હતું.
બસની ટક્કરથી યુવકનું મોત થયું : આજે સાંજે 5:00 વાગ્યાની આસપાસ 66/1 નંબરની બસ સારંગપુરથી ધાર્મિક વિધિમાં બજરંગ આશ્રમ ખાતે જઈ રહી હતી. અનિલસ્ટાર્ચ ચાર રસ્તા પાસે બસની ડાબીબાજુથી આવતા એક સાયકલ ચાલક બસથી અથડાયા બાદ ડ્રાઈવર પ્રેમજી ચાવડા અકસ્માત બાદ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેથી બસના કાચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટોળા પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.
ડ્રાઇવર બસ મુકી ફરાર થયો : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા અલગ અલગ કોન્ટ્રાક્ટ દ્વારા બસ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે આ બસ અર્હમ ટ્રાન્સપોર્ટની હોય તેવું સામે આવ્યું છે. જે અનિલ સ્ટાર્ચ મિલ પાસે એક સાયકલ ચાલકને હડફેટે લીધો હતો. જેના કારણે યુવાનનું માથું બસના ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેથી ડ્રાઇવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો.
શહેરમાં પુરઝડપે બસ ચલાવવામાં આવી રહી છે : ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા ઘણા સમયથી AMTS અને BRTS બસ પૂર ઝડપે ચલાવવામાં આવી રહી છે. જેના કારણે અનેક રાહદારીઓ ભોગ બની રહ્યા છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કોઈપણ પ્રકારના આકરા પગલાં લેવામાં આવતા નથી. માત્ર તેમની ઉપર અમુક રૂપિયાનો દંડ કરીને તેમને છોડી મૂકવામાં આવે છે. જેના કારણે શહેરના લોકો જ વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પહેલા પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શા માટે કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી તે સૌથી મોટો પ્રશ્ન સામે ઊભો થઈ રહ્યો છે.
- Ahmedabad Bridge Report : અમદાવાદ શહેરના તમામ બ્રિજના રિપોર્ટ રજૂ કરવા વિપક્ષે માંગ કરી
- Cyber Sanjeevani 2.0: સંજીવની 2.0 અભિયાન અંતર્ગત સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ, સંજીવની વેન સાયબર ક્રાઈમથી બચવામાં બનશે મદદરૂપ