ગુજરાત

gujarat

ETV Bharat / state

મોલ-મલ્ટીપ્લેક્સ પાર્કિંગ ચાર્જ મુદ્દે હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરાઈ - મોલ મલ્ટીપ્લેક્સ પાર્કિંગ ચાર્જ

અમદાવાદ: ગત જુલાઇ માસમાં હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્યના લાખો નાગરિકોને રાહત રૂપ ચુકાદો આપતાં મોલ-મલ્ટિપ્લેક્ષ સહિતના કોમર્શિયલ કોમ્પ્લેક્ષના વિઝિટર્સ પાસેથી પાર્કિંગ ચાર્જ નહીં લેવાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટની ડિવીઝન બેંચના આ હુકમ બાદ અમદાવાદના રૂચિ મોલના સંચાલકો દ્વારા હાઇકોર્ટ સમક્ષ રિવ્યૂ કરવા પિટિશન કરી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ પિટિશન દાખલ કરી છે. જેમાં અરજદાર પક્ષે કેસની સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરવાની માગને ધ્યાનમાં લેતા હાઇકોર્ટે કેસની સુનાવણી ૨૯મી નવેમ્બરના રોજ મુકરર કરી છે.

Ahmedabad high court

By

Published : Nov 6, 2019, 1:08 AM IST

હાઇકોર્ટે આ સમગ્ર મામલે જુલાઇમાં આપેલા ચુકાદા વિરૂદ્ધ સુરતના રાહુલરાજ મોલ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવી હતી. જેમાં ગત મહિને સુપ્રીમ કોર્ટે એક વચગાળાનો આદેશ કરતાં મોલ-મલ્ટિપ્લેક્ષ સંચાલકોને પાર્કિંગ પેટે વ્યાજબી ચાર્જ લેવાની રાહત આપી હતી અને કેસની સુનાવણી ૧૯મી નવેમ્બરના રોજ મુકરર કરી છે. જ્યારે હવે અમદાવાદ સ્થિત રૂચિ મોલના સંચાલકોએ હાઇકોર્ટમાં રિવ્યૂ પિટિશન કરી છે. જેની સુનાવણી હાઇકોર્ટમાં ૨૯મી નવેમ્બરે હાથ ધરાશે. જેના પર ફરી એકવાર સૌની નજર મંડાશે.

આ સમગ્ર પ્રકરણમાં અગાઉ હાઇકોર્ટની ખંડપીઠે સીંગલ જજ જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી દ્વારા ગત વર્ષે ઓક્ટોબરમાં આપવામાં આવેલાં ચુકાદાના કેટલાક નિર્દેશોને ગેરવ્યાજબી ઠેરવ્યાં હતાં. સીગલ જજના આદેશોને રદ કરતાં ખંડપીઠે મોલ-મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે પછી જાહેર માર્ગ કે સ્ટ્રીટ્સ પર વાહન મૂકવા માટેના પાર્કિંગ ચાર્જને નિયમિત કરવા માટે ‘પાર્કિંગ પોલિસી’ ઘડવા માટેનો આદેશ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને ન આપી શકાય તેવું ઠરાવ્યું હતું અને જ્યાં સુધી કોઇ નીતિ ન બનાવવામાં આવે ત્યાં સુધી પાર્કિંગના દરો નક્કી કરી તેનો અમલ કરવાનો આદેશ ન કરી શકાય તેમ પણ ચુકાદામાં નોંધ્યું હતું.

મોલ-મલ્ટીપ્લેક્સ પાર્કિંગ ચાર્જ મુદ્દે હાઈકોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરાઈ

સાથે જ રાજ્યના કરોડો લોકોને રાહતરૂપ ચુકાદામાં પાર્કિંગ ચાર્જ નહીં લેવાનું ઠરાવી અપીલનો નિકાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મામલે હાઇકોર્ટના સીંગલ જજે ચુકાદો આપતાં મોલ-મલ્ટિપ્લેક્સ સહિતની કોમર્શિયલ ઇમારતોમાં પાર્કિંગ ચાર્જ નહીં ઉઘરાવવાની સરકારની નોટિસને રદ કરી હતી અને પાર્કિંગ ચાર્જ લેવા માટે લીલી ઝંડી આપી દીધી હતી.

તે ઉપરાંત પહેલો કલાક ફ્રી પાર્કિંગ અને ત્યારબાદ ટુ વ્હીલર્સ માટે રૂ. ૧૦ અને ફોરવ્હીલર્સ માટે રૂ. ૩૦થી વધુ નહીં લેવાનો જે આદેશ કર્યો હતો. જે આદેશ સામે મોલ સંચાલકોએ ડિવીઝન બેંચમાં અપીલ કરી હતી. જેમાં ખંડપીઠે પાર્કિંગ ચાર્જ નહીં લેવાનો આદેશ કર્યો હતો. ગત જુલાઇમાં હાઇકોર્ટે આપેલા આ આદેશ બાદ હવે ફરીથી આ મામલે કાનૂની જંગ શરૂ થયો છે.

ABOUT THE AUTHOR

...view details