અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ અર્થે દરવર્ષે કરોડોના બજેટ ફાળવાય છે. જેમાં મોટા ભાગની રકમ રોડ-રસ્તામાં જ ખર્ચ કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શીલજમાં 14 કરોડ માત્ર સ્મશાન બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં રખડતા ઢોર પકડવા માટે અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી. પરંતુ ઢોરવાડા ફૂલ થઈ જતા આગળની કામગીરી કરવામાં આવી નહોતી. ત્યારે હવે AMC દ્વારા બાકરોલમાં 4 નવા શેડ બનાવવા માટે 7 કરોડ ફાળવ્યા છે.
15 હજાર વારનું સ્મશાન : રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, શીલજ ગામમાં ઘણા અલગ-અલગ સમાજના સ્મશાન આવેલા છે. જેને દૂર કરીને 14 કરોડના ખર્ચે 15000 વાર જગ્યામાં એક સ્મશાન બનાવવામાં આવશે. જેમાં તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે. સ્મશાનમાં પીવાના પાણીની વ્યવસ્થા, વેઇટિંગ રૂમ, નાના બાળકો દફનવિધિ માટે અલગ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ સહિત ધાર્મિક પુસ્તકો પણ અહીંયા મુકવામાં આવશે. સ્મશાનના પ્રવેશદ્વારમાં એક વિશાળ ભગવાન શંકરની મૂર્તિ મુકવામાં આવશે. ઉપરાંત નવા સ્મશાનમાં પીવા માટે તેમજ વપરાશ માટે ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ ટાંકી પણ તૈયાર કરવામાં આવશે.