અમદાવાદ: ધોળકા તાલુકાના એક ગામમાં માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ અગમ્ય કારણોસર એક જ પરિવારની 3 સ્ત્રીઓની હત્યા કરી છે.
અમદાવાદમાં માનસિક સંતુલન ગુમાવેલ વ્યક્તિએ 7 વર્ષની બાળકી સહિત 3 સ્ત્રીઓની હત્યા કરી - police
જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા-વાસણા ગામમાં માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ અગમ્ય કારણોસર એક જ પરિવારના 3 સ્ત્રીઓની હત્યા કરી દીધી છે. હત્યા બાદ અન્ય સ્ત્રીઓને મારવા જતો હતો, ત્યારે આસપાસના લોકોએ આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો હતો પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગત મુજબ રાજુ પટેલ અને તેનો નાનોભાઈ બોપલ વિસ્તારમાં રહેતા હતા, લોકડાઉન બાદ નોકરી ધંધો છૂટી જતાં રાજુ પોતાના ગામ કેલિયા વાસણા પરત આવ્યો હતો. રાજુ અહી એકલો જ રહેતો હતો ત્યારે અચાનક સાંજના સમયે હાથમાં ધારિયું લઈને બહાર આવ્યો અને ગામની સ્ત્રીઓને મારી નાખવી છે તેમ કહીને પડોશમાં રહેતા વિજય પટેલના ઘરમાં જતો રહ્યો હતો.
વિજય પટેલના ઘરે તેમની વૃદ્ધ માતા જશોદાબેનને માથાના ભાગે ધારીયું માર્યું હતું. બાદમાં તેમની પુત્રવધૂ સુમિત્રા વચ્ચે પડતા તેને પણ ધારિયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બધા વચ્ચે 7 વર્ષની દીકરી જીયાએ દરવાજો ખોલતા તેને પણ ગળાના ભાગે ધારીયું મારી હત્યા કરી દીધી હતી.
તે દરમિયાન અન્ય એક દીકરી પણ હતી, પરંતુ તેને ઘટના જોઇને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો જેથી તે બચી ગઈ હતી. આ ઘટના અંગે આસપાસના લોકોને બનાવ અંગેની જાણ થતાં તેઓ વિજય પટેલના ઘરે આવ્યા હતા અને રાજુ પટેલ પાસેથી ધારીયું છીનવી લીધું હતું અને તેને પકડીને પોલીસને જાણ કરી હતી. આ તકે પોલીસે રાજુ પટેલની તાત્કાલિક ધરપકડ કરી હતી.
ધોળકા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે. પોલીસને જાણવા મળ્યું કે રાજુ પટેલ એકલો રહેતો હોવાથી મનોરોગી થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. છતાં પોલીસ દ્વારા તમામ પાસાઓ તપાસવામાં આવશે અને હત્યા શા માટે કરાઈ તેનું કારણ જાણવામાં આવશે.