અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ બાર.એસોસિએશનના પ્રમુખ તરફે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત જસ્ટિસ વિક્રમનાથને લખાયેલા પત્રમાં રજૂઆત કરી છે કે રજિસ્ટ્રી દ્વારા કેટલાક વકીલોની મેટર 10થી 12 દિવસ બાદ પણ જજના રોસ્ટરમાં લિસ્ટ કરવામાં આવી નથી, જ્યારે કેટલાક વકીલ કે જેમના અસીલ વગરદાર અને પૈસાદાર છે તેમની મેટર તુરંત જ રજિસ્ટ્રી દ્વારા લિસ્ટ કરવામાં આવે છે તેવો આક્ષેપ કર્યો હતો.
રજિસ્ટ્રીની મેટર લિસ્ટિંગની કામગીરી મુદ્દે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખાયો
ગુજરાત હાઈકોર્ટમાં જજના રોસ્ટરમાં કેસ લિસ્ટ કરવા મુદ્દે રજિસ્ટ્રીની કામગીરી પર પ્રશ્નો ઉભા કરતાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત જસ્ટિસ વિક્રમનાથને પત્ર લખી વકીલોને મેટર લિસ્ટ કરાવવામાં આવતી હાલાકી મુદ્દે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી હતી.
આ ઉપરાંત યતીન ઓઝાએ રજૂઆત કરી છે કે 100 જેટલા વકીલોએ તેમને આ અંગેની ફરિયાદ કરતા આજે શુક્રવારે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી. યતીન ઓઝાએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા તમામ કચેરીઓ ખોલી દેવામાં આવી છે, ત્યારે હાઈકોર્ટમાં પણ ફિઝિકલ સુનાવણી કરવામાં આવવી જોઈએ. 64 ટકા વકીલોએ હાઇકોર્ટ ફિઝિકલ શરૂ કરવાના પક્ષમાં મત આપ્યો છે. બેરોજગારીને લીધે ઘણાં વકીલો સંઘર્ષ કરી રહ્યાં છે.
બે દિવસ પહેલાં પાછલાં 26 વર્ષથી ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ વર્ચ્યુઅલ સુનાવણીને લીધે કેટલાક વકીલની મેટરને લિસ્ટ થવામાં પડતી હાલાકી અને વકીલોની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે રાજીનામાનો સ્વીકાર ન થતાં પ્રમુખ તરીકે જારી રહ્યાં છે.
ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના વર્ષ 1994થી સતત 17 વખત ચૂંટાઈ આવેલા પ્રમુખ યતીન ઓઝાએ પત્રમાં જણાવ્યું હતું કે વર્ચ્યુઅલ સુનાવણીને લીધે કેટલાક વકીલોની મેટર ઘણા દિવસથી કોર્ટ સમક્ષ લિસ્ટ થતી નથી, જ્યારે ઘણા વકીલોની મેટર બે દિવસમાં જ લિસ્ટ થઈ જાય છે. લોકડાઉનને લીધે વકીલોની વર્તમાન સ્થિતિ વિશે વાતચીત કરતા જણાવ્યું કે તેમણે હાલમાં જ ખાવા માટે ઓનલાઈન ઓર્ડર મંગાવ્યો, ત્યારે બેરોજગારીને લીધે એક વકીલ ડિલિવરી કરવાની નોકરી કરતા તેમને લાગી આવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 64 ટકા વકીલ જો કોર્ટમાં સુનાવણી અંગે સહમતી દર્શાવતા હોય અને તેમ છતાં પરવાનગી ન આપવા આવે તો વકીલો ચેમ્બરમાં રહીને સુનાવણીની પરવાનગી માગી હતી. જોકે એ પણ ફગાવી દેવાઇ હતી.