અમદાવાદ: પોશ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાપુર લેક પાસેની એક રેસ્ટોરેન્ટમાં કામ કરતા બે કારીગરો વચ્ચે સામાન્ય બાબતમાં ઝધડો અને મારામારી થઈ, જેમાં એક યુવક નીચે પટકાતા તે બેભાન થઈ ગયો હતો. નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો, જે અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ થતા પોલીસે ઘટનાને પગલે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
રેસ્ટોરેન્ટમાં હત્યાનો બનાવ: અમદાવાદનાં વસ્ત્રાપુર લેક પાસે આવેલી ચારકોલ રેસ્ટોરેન્ટમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં મૂળ બિહારનો અને અમદાવાદના નવરંગપુરામાં રહીને વસ્ત્રાપુરની હોટલમાં રસોઈયા તરીકે કામ કરતા 21 વર્ષીય સતીષ રામકરણ પાસવાન નામનાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. 7મી મેના રોજ રાતના બે અઢી વાગે સતીષ પાસવાન હાજર હતો અને આરોપી પવન સુરી સાફ સફાઈ કરી રહ્યો હતો, તે દરમિયાન મેનેજર તરફથી આપવામાં આવેલા કસ્ટમરના ઓર્ડરની ચીઠ્ઠી પવન કુમારે સતીષ પાસવાનને ન આપી પોતાના પાસે મુકી રાખી હોવાથી બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ બન્ને વચ્ચે છુટા હાથની મારમારી થતા સતીષ પાસવાન નીચે ઢળી ગયો હતો. બેભાન થઈ જતા તેને તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવના સીસીટીવી મળી આવ્યા: આ અંગે પોલીસે સ્થળ પર તપાસ કરતા ત્યાંથી સમગ્ર બનાવના સીસીટીવી મળી આવ્યા હતા અને બાદમાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ અને પુછપરછ શરૂ કરી હતી. મૃતકની મોતનું કારણ જાણવા માટે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે અભિરામ પાસવાન નામના વ્યક્તિની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસે શરૂ છે. આ અંગે એ ડિવીઝનના એસીપી જી.એસ શ્યાને જણાવ્યું હતું કે, આ મામલે ગુનો દાખલ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પીએમ રિપોર્ટમાં વિગતો આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.