અમદાવાદઃ ગુજરાતના દરેક જિલ્લામાંથી દરેક કોમના ભાવિક ભક્તો હોળીનો દિવસ ડાકોરના રણછોડરાય સાથે હોળી ઉજવવા હોળીના કેટલાક દિવસ અગાઉ જ પગપાળા યાત્રા શરૂ કરી દે છે. જય શ્રી કૃષ્ણ નાદ સાથે ભક્તો મોટી સંખ્યામાં ડાકોર તરફ પ્રયાણ કરે છે. ત્યારે તેમનો ઉત્સાહ જોવા લાયક હોય છે.
હોળીના તહેવારમાં ડાકોરના મંદિરે ભક્તોની ભીડ - Religion and Festivals in Indian Culture
ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને તહેવારો એક બીજા સાથે વણાયેલા છે. દરેક તહેવાર કોઈને કોઈ ઈશ્વરીય લીલા સાથે સંકળાયેલા છે. જો ગુજરાતમાં હોળીનો ઉલ્લેખ કરીએ તો કૃષ્ણ ભક્તિમાં લીન થઈને લોકો આ તહેવારે તેમના પ્રિય ઈશ્વરને મળવા પગપાળા તેમના સ્થાનક ડાકોર જાય છે.
ભક્તો પોતાની માનતા પુરી કરવા તો કેટલાક ફક્ત ભક્તિ અને અંતરના ઉમંગથી કૃષ્ણ તરફ ખેંચાઈ આવે છે. હજારોની સંખ્યામાં ભક્તો મંદિર આવતા હોવાથી રસ્તાઓ પર તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હાથીજણથી ડાકોર તરફ જતા રસ્તાને વન-વે જાહેર કરી દેવાયો છે. રોડની બંને તરફ ભક્તોની સેવાનાં વિવિધ સ્ટોલ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી પણ દેવાયો છે. ભાવિકોને રૂટ પર સ્વચ્છતાનો પૂરો ખ્યાલ રખાયો છે. તો કામચલાઉ આરોગ્ય કેન્દ્રો પણ ઉભા કરાયા છે. એટલે હવે ભાવિક ભક્તો ડાકોર પહોંચીને, કૃષ્ણ દર્શન કરીને જ હોળીની હર્ષોલ્લાસ પૂર્વક ઉજાણી કરશે.