- અમદાવાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ
- કલેક્ટરે સરકારી જમીન પરના ગેરકાયદે કબજો દૂર કરવા આદેશ આપ્યા
- વેજલપુરના ધારાસભ્યએ રજૂ કર્યો હતો પ્રશ્ન
અમદાવાદ: જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સરકારી જમીનો ખુલ્લી કરવા માટે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોવિડ મહામારી બાદ લાંબા સમય પછી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલનની બેઠકમાં વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણના પ્રશ્નના સંદર્ભે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા જિલ્લા કલેક્ટરે કહ્યું કે, ભવિષ્યમાં કોઈ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવાની હિંમત ન કરે તે પ્રકારે કાર્યવાહી કરો.
સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે ચર્ચા
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાબરમતી નદીના પ્રદૂષણ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે જિલ્લા કલેક્ટરે GPCBના સ્ટાફની 15 દિવસમાં બેઠક યોજી કાર્યયોજના બનાવવાના નિર્દેશ આપ્યા હતા. કલેક્ટરે નદીના પ્રદૂષણ સંદર્ભે અમદાવાદ મહાનગરપાલિકા સાથે જરૂરી સંકલન કરી પ્રશ્નનો ઉકેલ આણવા માટે તાકીદ કરી હતી.