અમદાવાદ:શહેર સહિત રાજ્યભરમાં અકસ્માતો સંખ્યા વધી રહી છે, ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નાના ચિલોડા રોડ પર પુરપાટ દોડી રહેલી એક કારે બીજી કાર સહિત એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવા ચાલક તથા કાર ચાલકને ઈજાઓ થઈ હતી. જેના પગલે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં એક્ટિવા ચાલક 50 ફૂટ જેટલો ઘસડાતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
અમદાવાદમાં પોલીસ નેમ પ્લેટ વાળી કારે સર્જ્યો અકસ્માત, એક એક્ટિવા ચાલકને 50 ફુટ ઘસડ્યો - અમદાવાદ ક્રાઈમ
અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ આવી રહેલી એક કારે બીજી કાર સહિત એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવા ચાલક તથા કાર ચાલકને ઈજાઓ થઈ હતી. જેના પગલે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Published : Dec 3, 2023, 11:15 AM IST
એક્ટિવા ચાલકને 50 ફૂટ ઘસડ્યો: અમદાવાદ શહેરના નાના ચિલોડા રોડ પર એક હોન્ડા અમેઝ કાર ઓવર સ્પીડમાં દોડી રહી હતી. આ કાર ચાલકે આગળ જઈ રહેલી અર્ટીગા કાર સહિત એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકને 50 ફૂટ સુધી ઘસડ્યો હતો જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારની અડફેટે આવેલી અર્ટીગા કાર ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી હતી. આ અકસ્માત સર્જનાર હોન્ડા અમેઝ કાર પર પોલીસની નેમ પ્લેટ લગાવેલી હતી, અને કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. જેથી હાલ કાર ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની નેમ પ્લેટ લગાડી રૌફ જમાવતા નબીરાઓ: નોંધનીય છે કે અમદાવાદમાં પોલીસની નેમ પ્લેટ લગાવીને ઘણા નબીરાઓ પોલીસનો રૌફ જમાવતાં હોય છે અને બેફામ કાર હંકારીને અન્યની જિંદગીઓ પણ જોખમમાં મુકતા હોય છે. ક્યારેક આવા નબીરાઓ દાદાગીરી પણ ઉતરી આવતા હોય છે. ત્યારે આવી કારમાં દારૂની પણ હેરાફેરીના કેટલાક કિસ્સાઓ જોવા મળ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. જ્યારે આ અકસ્માત સર્જનાર ચાલક કોણ છે અને પોલીસની નેમ પ્લેટ સહિત ગાડીમાં રહેલ દારૂ બાબતે પોલીસ હાલ તપાસ કરી રહી છે, ત્યારે આવા પોલિસના નામને લાંછન લગાડતા લોકો વિરૂધ્ધ પોલીસ આગળ હવે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.