અમદાવાદઃ આ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લા વિશેની માહિતી આપતા અમદાવાદ જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશ પટેલ કહે છે કે, "કુદરતી આફતોના સંજોગોમાં ખેડૂતોને ખેતરમાંથી લણેલા પાકમાં નુકશાન થતું હતું, તે અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલી બનાવાઈ છે, જેના કારણે ખેડૂતોને થતું પાકનું નુકશાન અટકશે." તેઓ ઉમેરે છે કે, સામાન્યપણે ખેડૂતો ખેતરોમાં નાની ઓરડી બનાવતા હોય છે, જ્યાં બોર(ટ્યૂબવેલ)ની મોટર અને બીજા ખેતીના સાધનો રાખતા હોય છે,આ સંજોગોમાં હવે ખેડૂત થોડુ મોટુ સ્ટ્રક્ચર બનાવી પાક સંગ્રહની સુવિધા પણ ઉભી કરી શકશે.
અમદાવાદ જિલ્લા પંચાયતમાં ખેતીવાડી વિભાગમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીફે ફરજ બજાવતા સંજયસિંહ રાઠોડ આ અંગેની વિગતો આપતા કહે છે, કે "જે ખેડૂતોએ પોતાના ખેતર પર પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માંગતા હોય તેમણે I-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી ગ્રામ કક્ષાએ ઈ –ગ્રામ સેન્ટર મારફતે અથવા જ્યાં પણ કમ્પ્યુટર ઈન્ટનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકે છે, તેમ જ ખેતીવાડી વિભાગની તાલુકા કચેરીમાં પણ ઓનલાઈન અરજી કરી શકે છે. "
આ અંગે ખેડૂતે કરવાની પ્રક્રિયાને વિસ્તૃત રીતે સમજાવતા રાઠોડ કહે છે કે, ખેડૂતે ઓનલાઈન અરજી કરી તે અરજીની પ્રિન્ટ મેળવી સહી કરી જરુરી કાગળો સાથે તે ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી કે સંબંધિત તાલુકા અમલીકરણ અધિકારી કે પેટા વિભાગીય અધિકારીની કચેરીમાં રજૂ કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ ખેડૂતને ખેતર પર પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના 30 ટકા અથવા રૂ.30 હજાર (બે માંથી જે ઓછું હોય તે) સહાય મળવાપાત્ર છે.લાભાર્થી ખેડૂતેને આ સહાય બે તબક્કામાં મળવાપાત્ર છે. પ્રથમ હપ્તો (15 હજાર) પ્લીન્થ લેવલની કામગીરી પૂર્ણ થયે, જ્યારે બીજો હપ્તો (15 હજાર)પાક સંગ્રહ સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થયે ચકાસણી બાદ ચૂકવવામાં આવે છે.