અમદાવાદ: અસામાન્ય સંજોગો સાથે જન્મેલી બાળકીને સિવિલના તબીબોએ સતત 53 દિવસ સારવાર બાદ “લક્ષ્મી” 1 કિલો 200 ગ્રામ વજન સાથે ડિસ્ચાર્જ કરાઈ છે. હવે બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ માતાનું સ્તનપાન પણ કરી શકે છે.
સિવિલ હોસ્પિટલમાં 53 દિવસ સારવાર બાદ 650 ગ્રામ વજની બાળકીને બચાવી લેવાઈ
માત્ર 650 ગ્રામ વજન ધરાવતી અને સાતમાં મહિને થયેલી બાળકીની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં દરમિયાન 53 દિવસ સુધી સારવાર આપાયા બાદ વજનમાં વધારો થતા તેને રજા આપી દેવામાં આવી છે. હાલ તેનું વજન 1 કીલો 200 ગ્રામ છે.
ન્યૂબોર્ન ઇન્ટેન્સિવ કેર યુનિટ (N.I.C.U.) ના ઈન્ચાર્જ ડો. સુચેતા મુનશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આજદિન સુધીમાં માત્ર 650 ગ્રામ જેટલું ઓછું વજન ધરાવતા બાળકનો સૌ પ્રથમ કિસ્સો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે બાળકનું વજન દોઢ કિલોથી ઓછું હોય તો ‘વેરી લો બર્થ વેઈટ’ ની કેટેગરીમાં સ્થાન પામે છે.
અરવલ્લી જિલ્લાના ધનસુરાના વતની 26 વર્ષીય અરૂણાબેન ચમારે બાળકીને જન્મ આપતા સ્થતિ સર્જાઈ હતી. ગર્ભાવસ્થા દરમિયાન બ્લડપ્રેશર, લોહીના ત્રાક-કણો ઓછા થતા તેમજ લિવર પર સોજાની ગંભીર તકલીફ ઉભી થતા માતા અને બાળકના હિતમાં માત્ર 7 મહિને હોસ્પિટલમાં નોર્મલ ડિલેવરી કરાવી હતી. જ્યારે કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર હતી તેવા સંજોગોમાં કોઈપણ પ્રકારનો ટેસ્ટ કર્યા વિના ઝડપથી સારવાર પૂરી પાડવામાં આવી. માતાની ગંભીર સ્થિતિ હોવા છતાં પણ હોસ્પિટલના ગાયનેક વિભાગ દ્વારા નોર્મલ ડિલેવરી કરાવીને માતા અને બાળક બંન્નેના જીવ બચાવી લીધા હતા.
બાળકીની સારવાર બાદ માતા અરુણાએ જણાવ્યું હતું કે, મારી દિકરી અધુરા મહિને જન્મી હતી જેના પરિણામે અમે સતત 53 દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રહ્યા છીએ. સિવિલમાં મારા અને મારા બાળકની ખુબ જ સરસ સારસંભાળ રાખવામાં આવી છે.