2 વ્યક્તિઓના મૃત્યુ અને 27 લોકો ઘાયલ થયા હોવાને લઈને પોલીસે હાલ કાંકરિયાના મેનેજરની ફરિયાદના આધારે તપાસ શરુ કરી હતી. જેમાં પાર્કના માલિક ઘનશ્યામભાઈ અને તેમના પુત્ર ભાવેશ પટેલ, મેનેજર તુષાર ચોકસી,ઓપરેટર યશ ઉર્ફે લાલા તથા હેલ્પર કિશન મહંતી અને મનીષ વાઘેલાની અટકાયત કરી ધરપકડ કરી હતી.
કાંકરિયા રાઈડ તુટવાની ઘટના બાદ પોલીસનું માત્ર તપાસ ચાલુ હોવાનું રટણ - incharge acp jagdish chavda
અમદાવાદ: કાંકરિયામાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે રાઈડ તૂટવાની ઘટના મામલે પોલીસ અને કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન પાર્કના માલિક સહિત કુલ ૬ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાના ૨૪ કલાક વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા તપાસ ચાલુ છે, એવું જ રટણ સતત કરવામાં આવી રહ્યું છે.
તપાસમાં પ્રાથમિક પુરાવામાં રાઈડ નબળી ગુણવત્તાવાળી હોવાનું સામે આવ્યું હતું. રાઈડના તૂટેલા ટુકડાઓને એફએસએલ મોકલવામાં આવશે અને ફિટનેસ સર્ટીફીકેટ અંગે પણ તપાસ કરવામાં આવશે.
24 કલાક બાદ પણ પોલીસ માત્ર તપાસ કરતી હોવાનું રટણ જ કરે છે. આ ઘટના બાદ માત્ર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને સાંજે ૫ વાગ્યા પછી ધરપકડ કરવામાં આવી છે. ફિટનેસ સર્ટીફીકેટ કોને આપ્યું છે તે અંગે પોલીસને કોઈ જાણ નથી. સરકારી,અર્ધસરકારી કે પછી કોઈ ખાનગી કંપનીએ રાઈડની ચકાસણી કરી હતી, તે અંગે પણ પોલીસે મૌન સેવ્યું હતું. ઘટનામાં જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.