અમદાવાદઃ ગાંધી આશ્રમ ખાતે માનવ સાંકળ રચીને ઉભેલા 400 જેટલા ઋષિકુમારના હાથમાં અમેરિકા અને ભારતના ઝંડા છે, જ્યારે તેમણે માથે નમસ્તે ટ્રમ્પની ટોપી પહેરી છે. બંને મહાનુભાવોના એરપોર્ટ પર આગમન બાદ તેઓ સુભાષ બ્રિજ થઈને સીધા ગાંધી આશ્રમ આવશે અને લગભગ 15 મિનિટ જેટલો સમય ગાંધી આશ્રમ રોકાશે.
નમસ્તે ટ્રમ્પઃ "મંત્રો સે હોગા ટ્રમ્પ કા સ્વાગત" - Rishikumar
વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના આગમનના ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે અમદાવાદ ગાંધી આશ્રમ બહાર સોલા ભાગવતના 400 જેટલા ઋષિકુમારો મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરશે. હાલ ગાંધી આશ્રમના પ્રવેશ દ્વાર સામે ઋષિકુમારોને ઉભા રાખવામાં આવ્યાં છે.
ગાંધી આશ્રમમાં ત્રણે મહાનુભવો માટે હૃદયકુંજ બહાર બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે બૌદ્ધ સંતની પ્રતિમા પણ આશ્રમમાં મૂકવામાં આવી છે. ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા કેટલાક આગેવાનો જેમ કે કાર્તિકેય સારાભાઈ હાલ ગાંધી આશ્રમમાં હાજર છે અને તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. થોડીવારમાં પોલીસ દ્વારા રૂટનું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા સવારે 8:00થી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ પણ રૂટ કે રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા નથી. ગાંધી આશ્રમમાં મુલાકાત બાદ વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ પહોંચશે, જ્યાં તેઓ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધશે અને બાદમાં આગ્રા માટે રવાના થશે.