- નર્મદા કેનાલમાં પગ લપસતા નર્મદા કેનાલના પાણીમાં ડૂબ્યા યુવકો
- કેનાલની સામે કાંઠે ઉભેલા બે યુવકોએ ડૂબતા યુવકને બચાવવા કેનાલમાં ઝંપલાવ્યું
- કમનસીબે ડૂબતા યુવકને બચાવવા જતાં બે યુવકો પણ પાણીમાં ડૂબ્યા
- ધોળકા ગ્રામ્ય પોલીસે સ્થાનિક તરવૈયાઓની લીધી મદદ
અમદાવાદઃ ધોળકાના ધૂળજીપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવક પગ લપસતા કેનાલમાં પડતા સામે કાંઠે ઉભેલા બે યુવકોએ તેને બચાવવા કેનાલમાં ઝંપલાવ્યું હતું પરંતુ કમનસીબે તેઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા. ધોળકા ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે એક યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા
આ ઘટનાની જાણ થતા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. યુવકોને બચાવવા શિક્ષણપ્રધાનની ગાડીમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આમ, ક્રમશઃ બાકી રહેલા બે યુવકોના મૃતદેહ પણ શોધી કાઢવામાં આવ્યા હતા. અંતે ત્રણેય યુવકોના મૃતદેહને ધોળકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ, ધોળકા ગ્રામ્ય પોલીસના જણાવ્યા પ્રમાણે, આ આકસ્મિક ઘટનામાં કેનાલમાં પગ લપસી જવાના કારણે સાજન દુલારાને બચાવવા જતા બે સગા ભાઈઓએ જીવ ગુમાવ્યાની કરુણાંતિકાનો બનાવ નોંધાયો હતો. ધોળકાના બારકોઠા વિસ્તારમાં રહેતા દેવીપૂજક સમાજમાં શોકનો માહોલ છવાયો હતો. આ અંગે વધુ તપાસ ધોળકા ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે.
ધોળકાના ધુળજીપુરા ગામની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 3 યુવકના મોત આ ત્રણ યુવક કેનાલમાં ડૂબ્યા
- સાજન દુલારા (ઉ. 40, રહે. આંબલિયાપુરા, ધોળકા)
- મુકેશભાઈ જીવણભાઈ દેવીપૂજક (ઉ. 30)
- સંજય જીવણભાઈ દેવીપૂજક કુમાર (ઉ. 16, બંને રહે. બારકોઠા ધોળકા)