અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 ઓકટોબરે તાપી જિલ્લાના પ્રવાસે આવ્યા હતાં અને તેઓ આદિવાસી વિસ્તારના ડેવલપમેન્ટ માટે રૂપિયા 2192 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. વડાપ્રધાન આ વર્ષમાં આ ત્રીજી વાર આદિવાસી વિસ્તારમાં આવ્યા હતાં. આ પહેલા કોંગ્રેસના રાહુલ ગાંધીએ દાહોદમાં અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ભરૂચના વાલિયામાં સભા કરી હતી.આ તમામ પ્રયાસ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ આદિવાસી વોટ બેંકની 27 બેઠક સર કરવાના પ્રયાસો છે.
આદિવાસી વિસ્તારની બેઠકોના પરિણામ છેલ્લી ત્રણ ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો આદિવાસી સમાજની કુલ 27 બેઠક છે. 2007ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 13 બેઠક અને કોંગ્રેસ 14 બેઠક જીતી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપને 11 બેઠક અને કોંગ્રેસને 16 બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં 13 ભાજપને અને કોંગ્રેસને 14 બેઠક મળી હતી.
આદિવાસીઓને રીઝવવાની તક ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે અગાઉ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી આદિવાસી વિસ્તારમાં પ્રચાર કરી રહી છે અને આદિવાસીઓને રીઝવવા માટેની એક પણ તક જતી કરતા નથી.
વડાપ્રધાન 2022ના વર્ષમાં ત્રણવાર આદિવાસી સમાજ વચ્ચે વડાપ્રધાન આ અગાઉ 10 જૂન 2022ના રોજ સુરત જિલ્લાના ખુડવેલ ગામે આવ્યા હતાં અને તે દિવસે રૂપિયા 3052 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. તે પહેલાં વડાપ્રધાન મોદી 21 એપ્રિલ 2022ના રોજ દાહોદ આવ્યા હતાં અને રૂપિયા 21,000 કરોડના વિકાસના કામોની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે 9 ઓગસ્ટ, 2022ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. આમ ભાજપ દ્વારા આદિવાસીઓના મત અંકે કરવા માટે એક પણ તક જતી કરી નથી.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આદિવાસી સંમેલન કર્યું બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી 10 મે 2022ના રોજ દાહોદ આવ્યા હતાં અને તેમણે આદિવાસીઓની રક્ષા માટે સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ભરૂચના વાલિયાના ચંદેરીયા ગામે આદિવાસી સંકલ્પ મહાસંમેલન યોજ્યું હતું. તે જ દિવસે ભારતીય ટ્રાયબલ પાર્ટીના છોટુ વસાવા સાથે ગઠબંધન કર્યું હતું. જો કે આ ગઠબંધન લાબું ચાલ્યું નહી અને તેનું બાળમરણ થયું હતું.
પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ પડ્તો મુકાયોકેન્દ્ર સરકારે પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ બજેટમાં નાણાં ફાળવી અમલી બનાવ્યો હતો. જેનો આદિવાસી સમાજે વિરોધ કર્યો હતો. જે પ્રોજેક્ટના અમલથી આદિવાસીઓ જમીનવિહોણા થઈ જશે તેવી ધારણાએ આદિવાસીઓએ ભારે વિરોધ કર્યો અને આંદોલન કર્યું હતું. જો કે આ વાત દિલ્હી પહોંચતા સરકારે પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ પડતો મુકાયો હતો.
કોંગ્રેસ આપ અનેે ભાજપની પ્રચાર રણનીતિ રાજકીય તજજ્ઞ પાલા વરુએ ETV Bharatને જણાવ્યું હતું કે આદિવાસી સમાજ તમામ રાજકીય પક્ષ માટે મહત્વનો છે. આથી તમામ રાજકીય પક્ષો આદિવાસી સમાજ વચ્ચે જઈને પ્રચાર કરે છે અને તેમને અનેક સહાય અને યોજનાઓ આપે છે. તાપીમાં પણ વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન હતાં ત્યારથી માંડીને અત્યારે વડાપ્રધાન બન્યાં ત્યાં સુધી આદિવાસી સમાજ માટે તેમણે શું કર્યું તે બધું જ તેમની સભાના સંબોધનમાં કહ્યું છે. ટૂંકમાં આદિવાસી સમાજ માટે ભાજપે લાલ જાજમ પાથરી છે અને વિકાસ તો ભાજપ જ કરી શકે તેવી છાપ ઉભી કરી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ દક્ષિણ ગુજરાત અને ટ્રાયબલ વિસ્તારને ટાર્ગેટ કર્યો છે અને અરવિંદ કેજરીવાલના પ્રચારની આ બેલ્ટ પર સારી અસર ઉભી થઈ છે. આથી ભાજપે હવે આદિવાસી બેલ્ટ પકડીને જોરશોરથી પ્રચાર કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ પણ આદિવાસી સમાજના તારણહાર છે તેવો પ્રચાર કરી રહ્યા છે. આમ ત્રણેય પક્ષો માટે આદિવાસી બેલ્ટ મહત્વનો છે.