અમદાવાદ: શહેરના વટવામાં 2 મજૂરોના મોત થતા ફરીથી કારખાનામાં કામ કરતા મજૂરોની સલામતી અને સેફ્ટી પર અનેક સવાલ ઉભા થયા છે. શહેરની વટવા GIDCમાં આવેલ અને ડાયઝ બનવાનું કામ કરતી શ્રી શક્તિ કેમિકલ કંપનીમાં શુક્રવારે સવારે કંપનીના સુપરવાઇઝરે ડાયસ બનાવવા માટે વેસલામાં માલ નાખવા મજૂરોને કહ્યું હતું. જેના કારણે ત્યાં હાજર મજૂરોએ કામ શરૂ કર્યું હતું. આ દરમ્યાન વેસલામાં પ્લાસ્ટિકની થેલી પડી જતા સુપરવાઇઝરે વિશાલ નામના મજૂરને લેવા માટે નીચે ઉતાર્યો હતો.
જો કે, વેસલામાં કેમિકલની અસર થતા વિશાલ તરત જ બેભાન થઈ ગયો હતો. જેના કારણે તેને બચાવવા નંદલાલ અને દેવીલાલ નામના મજૂરો પણ વેસલામાં પડ્યા હતા અને તેમને પણ કેમિકલની અસર થતા બેભાન થયા હતાં, ત્યારબાદ આ તમામ 3 મજૂરોને બહાર કાઢતા વિશાલ અને નંદલાલ નામના બે મજૂરોના સ્થળ પર જ મોત થયાં હતાં. જ્યારે અન્ય એક મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.