સિંધુભવન રોડ પર સ્ટંટ કરનાર 18 વર્ષીય યુવક અમદાવાદ:સિંધુભવન રોડ ફરી એક વાર વિવાદમાં આવ્યો છે. આ રોડ નબીરાઓ માટે નિયમોનું ભંગ કરી મોજ મસ્તી કરવા માટેનું હબ બની ગયું છે. આ વાત ફરી એક વાર સિદ્ધ થઈ છે. સિંધુભવન રોડ પરના વધુ બે વીડિયો વાયરલ થયા છે. જેમાં ચાલુ ટુ વ્હીલર વાહનની સીટ પર ઉભા થઈને એક યુવક વાહન ચલાવી પોતાની તથા અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમમાં મુકતો નજરે પડે છે. જોકે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરીને વાહન ચાલક યુવકની ધરપકડ કરી છે.
સ્ટંટ કેમરામાં કેદ: શહેરના સિંધુભવન રોડ પર ફરી એક્ટિવા અને ઍક્સેસ ચાલક જોખમી રીતે ખુલ્લા હાથે સ્કૂટર પર ઉભા રહીને વાહન ચલાવતા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. એક યુવકે પકડાય નહીં તે માટે તેને વાહનની નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા છે. એક વાહનનો નંબર વિડીઓમાં કેદ થયો છે. GJ 01 XD 5302 નંબરનું ઍક્સેસ કેમેરામાં કેદ થયું છે.
'આ વિડીયો અમારા ધ્યાને આવતા જ કાર્યવાહી કરીને ગુનામાં સામેલ યુવકને પકડી પાડવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. શહેરીજનોને પણ અપીલ છે કે આ પ્રકારની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા કોઈ વ્યક્તિ દેખાય તો ટ્રાફિક પોલીસનો સંપર્ક સાધવો.' -સફિન હસન, ઈન્ચાર્જ DCP, અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક પોલીસ
18 વર્ષીય યુવકની ધરપકડ:આ અંગે ટ્રાફિક પોલીસે તપાસ કર્યા બાદ આ ગુનામાં સામેલ અમિત દાતણીયા નામના 18 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પકડાયેલો યુવક વેજલપુરમાં કૃષ્ણધામ ઔડાના મકાનમાં રહેતો હોય તેની પાસેથી ગુનામાં વપરાયેલ એકટીવા પણ કબજે કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે યુવકને પકડી કાયદાનો પાઠ ભણાવ્યો છે.
- Rajkot Viral Video: રાજકોટના દાદાએ કર્યા બાઈક પર સ્ટંટ, વીડિયો વાયરલ
- UP Viral Video: લખનઉમાં બાઇક પર સ્ટંટ કરતા યુવક અને યુવતીનો વીડિયો વાયરલ