અમદાવાદ: ભાજપને તો ભાવતું હતું અને વૈદે કીધું, તેમ પોતે કોંગ્રેસથી નારાજ એવા સચિન પાયલોટને મુખ્યપ્રધાન પદની લાલચ આપી પોતાના પક્ષમાં લેવાની રાજરમત કરી નાખી. ત્યારે એક તરફ અશોક ગેહલોત બહુમતી પુરવાર કરવા રાજસ્થાનના ગવર્નર સમક્ષ માગ કરી રહ્યા છે, પરંતુ ગવર્નર દ્વારા તેમને માટે આમંત્રણ આપવામાં આવતું નથી.
ભાજપના ધારાસભ્યો કોંગ્રેસમાં સંપર્કમાં હોવાની ગંધ ભાજપને આવી જતા, ભાજપે ધારાસભ્યોને સોમનાથના દર્શન કરવાના બહાના હેઠળ ગુજરાત બોલાવી લીધા હવે આગામી 14 ઓગસ્ટે રાજસ્થાન વિધાનસભાનું સત્ર મળવાનું છે. ત્યારે ચોક્કસ જ રાજકીય પક્ષો શક્તિપ્રદર્શન કરશે, પરંતુ આવા સમયે ભાજપની ચાલ ઉલટી પડી છે. કારણ કે, રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે એક દબંગ નેતા તરીકે જાણીતા છે.
રાજસ્થાનના 12 ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા વસુંધરા રાજે અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પણ વખત આવ્યે ગણકારતા નથી. તેમના તરફના ભાજપના ધારાસભ્યો કોંગ્રેસમાં સંપર્કમાં હોવાની ગંધ ભાજપને આવી જતા, ભાજપે આ તમામ ધારાસભ્યોને સોમનાથના દર્શન કરવાના બહાના હેઠળ ગુજરાત બોલાવી લીધા છે. હાલ આ ધારાસભ્યો અમદાવાદ શહેરની હદબહાર કોઈ રિસોર્ટમાં રોકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાજપના જ એક સિનિયર આગેવાનને ધારાસભ્યોના રોકાણની જવાબદારી સોંપાવામાં આવી છે. આ વિધાનસભ્યોમાં અપક્ષના ધારાસભ્યો પણ સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વધુ 4 વિધાનસભ્યો રાજસ્થાનથી ગુજરાત આવે તેવી શક્યતા છે. તેમને સોમનાથ દર્શનાર્થે લઈ જવામાં આવે તવી શક્યતા છે. 12 ઓગસ્ટ સુધી વિધાનસભ્યો ગુજરાતમાં રોકાશે અને 14 ઓગસ્ટે સીધા જ રાજસ્થાન વિધાનસભા પહોંચશે.