અમદાવાદઃ દિવાળી પર્વમાં આગથી દાઝી જવાના, ઘાયલ થવાના અને ફૂડ પોઈઝનિંગના કેસના કોલ્સ વધુ સંખ્યામાં 108ને મળતા હોય છે. 2023ની દિવાળીની રાત્રે 108 સેવાને આ પ્રકારના કોલ્સ વધુ સંખ્યામાં મળ્યા હતા. 108 દ્વારા મળતી માહિતી મુજબ દિવાળીમાં કુલ 4027 કેસ નોંધાયા છે. આ કેસોની સંખ્યા સામાન્ય દિવસોમાં 3961 જેટલી હોય છે. સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીમાં 1.66%નો વધારો થયો છે. ટ્રોમા વ્હીક્યુલરના 687 કેસીસ(59.40 %નો વધારો) જયારે ટ્રોમા નોન-વ્હીક્યુલરના 599 કેસીસ(60.19 %નો વધારો) જોવા મળ્યો છે.
ફટાકડાથી દાઝવાના કેસઃ અમદાવાદ શહેરમાં ફટાકડાથી દાઝવાના સૌથી વધુ 14 મળ્યા હતા. જેમાં 108 તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. મેડિકલ સ્ટાફ દ્વારા ઘટતી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. અમદાવાદ સિવાય પણ ગુજરાતના શહેરોમાં ફટાકડાથી દાઝવાના કોલ્સ 108ને મળ્યા હતા. જેમાં સુરતમાં 7, રાજકોટ 4, બરોડા, અમરેલી, આણંદ, ભાવનગર,જામનગર, પાટણમાં 2 જ્યારે ભરુચ, ગાંધીનગર, ગીર સોમનાથ, મોરબી, નવસારી, પંચમહાલ અને ડાંગમાં 1 કેસના કોલ્સમાં 108ના મેડિકલ સ્ટાફે ઘટતી કાર્યવાહી કરી હતી.