- ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે લોકડાઉન લગાવવાની કરી માગ
- અમદાવાદમાં કોરોનાની ચેઈન તોડવા માટે 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જરૂરી
- કોરોનાના વધતા કેસને જોતા લોકડાઉન લગાવવું આવશ્યક - ડૉ. વસંત પટેલ સભ્ય, AMA
અમદાવાદ : શહેરમાં કોરોના સંક્રમણે અજગરી ભરડો લેતા છેલ્લા 15 દિવસમાં જ 19,359 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. એક તરફ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો નીચે આવી રહ્યો છે. પરિણામે હોસ્પિટલમાં બેડ પણ ખૂટી રહ્યાં છે, જે ચિંતાજનક બાબત છે. આ ગંભીર સ્થિતિને જોતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય ડૉ. વસંત પટેલે સ્વૈચ્છિક લોકડાઉનનું સૂચન કર્યું છે.
આ પણ વાંચો -રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવતાં દર્દીઓને વેન્ટિલેટરની સુવિધા અપાતાં બેડ અને વેન્ટિલેટર ખૂટ્યાં : AMA
લોકોએ સ્વૈચ્છિક રીતે 10 દિવસ માટે લોકડાઉન પાળવું પડશે
ડૉ. વસંત પટેલે જણાવ્યું કે, હાલમાં જે ગતિથી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. તેને ગંભીરતાથી લેવી જરૂરી છે. તેમને લોકોને અપીલ કરી છે કે, જો જરૂરી ન હોય તો આગામી 10-12 દિવસ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો. કોરોનાની ચેઈન તોડવી હશે, તો લોકોએ સ્વૈચ્છિક રીતે 10 દિવસ માટે લોકડાઉન પાળવું પડશે.