- શનિવારે ઓલિમ્પિક્સમાં જોવા મળશે ભારત vs પાકિસ્તાન
- ભારતીય ગોલ્ફર અદિતિ અશોક જીતી શકે છે ગોલ્ડ મેડલ
- કુશ્તીમાં બજરંગ પૂનિયા બ્રોન્ઝ મેડલ મેળવી શકે છે
ન્યૂઝ ડેસ્ક: ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં આજે શુક્રવારનો દિવસ ભારતીય ખેલાડીઓ માટે નિરાશાજનક રહ્યો હતો. મહિલા હોકી ટીમે બ્રિટન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કુશ્તીબાજ બજરંગ પૂનિયાને પણ સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમ છતા તેમની મેડલ જીતવાની આશા યથાવત છે. આ સાથે ગોલ્ફમાં પણ ભારતીય ખેલાડી અદિતિ અશોક ઈતિહાસ રચી શકે તેમ છે.
જેવેલિન થ્રોમાં જોવા મળશે ભારત vs પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાન બન્ને 7 ઓગસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દિવસે ન તો બન્ને દેશોની ટીમ ક્રિકેટના મેદાનમાં આમને-સામને આવશે, ન તો હોકીમાં. આ દિવસે ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવેલિન થ્રોની ફાઈનલ મેચ યોજાશે. જેમાં બન્ને દેશોના ખેલાડીઓ આમને-સામને હશે. બન્નેએ ગૃપ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન આપીને પોત પોતાના ગૃપમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેના કારણે ફાઈનલમાં બન્ને વચ્ચે સારી ટક્કર જોવા મળી શકે છે.
ગોલ્ફર અદિતિ અશોક પર પણ રહેશે નજર
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી શકે છે. સ્ટાર ગોલ્ફર અદિતિ અશોકના પ્રદર્શનથી ભારત માટે મેડલની આશા વધુ પ્રબળ બની છે. અદિતિ મહિલાઓના વ્યક્તિગત સ્ટ્રોક પ્લેના ત્રીજા રાઉન્ડ બાદ બીજા સ્થાન પર છે. અદિતિ પાસે ગોલ્ડ મેડલ મેળવવાની સોનેરી તક છે. જો વરસાદના કારણે ચોથો રાઉન્ડ ન યોજાય તો અદિતિને સિલ્વર મેડલ મળી શકે છે અને જો ફાઈનલ રાઉન્ડ પૂરો થાય તો તે ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર છે. જો, 23 વર્ષીય ગોલ્ફર અદિતિ મેડલ જીતીને લાવે તો તે ભારતીય ગોલ્ફ માટે ઐતિહાસિક ક્ષણ સાબિત થશે.
બજરંગ પૂનિયા પાસેથી હવે બ્રોન્ઝની આશા
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે કુશ્તીમાં ગોલ્ડ મેડલની આખરી આશા બજરંગ પૂનિયા સેમિફાઈનલમાં હારી ગયા છે. હવે તેઓ શનિવારના રોજ બ્રોન્ઝ મેડલ માટેની મેચ રમશે. સેમિફાઈનલમાં બજરંગને અજરબૈજાનના હાજી એલિયેવે માત આપી હતી. જો આવતીકાલે શનિવારે બજરંગ બ્રોન્ઝ મેડલ જીતી લે તો તે ઓલિમ્પિક્સમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી હશે. આ અગાઉ સુશીલ કુમાર અને યોગેશ્વર દત્તે 2012 લંડન ઓલિમ્પિક્સમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ વર્ષે રવિ દહિયાએ ગુરુવારે જ સિલ્વર મેડલ મેળવ્યો હતો.