ગુજરાત

gujarat

ETV Bharat / sports

મળો ભારતીય મહિલા ટીમના 16 યોદ્ધાઓને, જેમણે હોકી સ્ટિકથી ટોક્યોમાં રચ્યો ઈતિહાસ... - ભારતીય મહિલા હોકી ટીમના કોચ કોણ છે?

ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સ 2020ના ક્વોર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ક્વોર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમનો જુસ્સો વધ્યો છે. ત્યારે આવો જાણીએ 'ચક દે' ગર્લ્સ વિશે...

મળો ભારતીય મહિલા ટીમના 16 યોદ્ધાઓને
મળો ભારતીય મહિલા ટીમના 16 યોદ્ધાઓને

By

Published : Aug 3, 2021, 10:30 PM IST

  • મહિલા હોકી ટીમના તમામ ખેલાડીઓ છે કુશળ
  • તમામ ખેલાડીઓ રમી ચૂક્યા છે 50થી વધુ મેચ
  • ટીમમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ખેલાડીનો પણ સમાવેશ

ન્યૂઝ ડેસ્ક : ભારતીય મહિલા હોકી ઓલિમ્પિક્સ સ્ક્વોડમાં હરિયાણાના સૌથી વધુ 9 ખેલાડીઓ છે. ટીમના કપ્તાન રાની રામપાલ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના વતની છે. ટીમમાં હરિયાણાના હિસાર જિલ્લાના 3, કુરૂક્ષેત્રના 3 અને સોનીપતના 3 ખેલાડીઓ છે. આ સિવાય ઝારખંડના 2, ઓડિશાના 2, પંજાબના એક, મણિપુરના એક અને મિઝોરમના એક ખેલાડીનો મહિલા હોકી ટીમમાં સમાવેશ થાય છે. ઓડિશાની દીપ ગ્રેસ એક્કા ટીમની ઉપકપ્તાન છે.

દાદાજીએ સવિતાને આપી હતી હોકી સ્ટિક, હવે તે ગોલપોસ્ટ પર દિવાલ બનીને અડગ છે

સોમવારે યોજાયેલી ક્વોર્ટર ફાઈનલ મેચના હીરો 30 વર્ષીય સવિતા પૂનિયા હતા. 12 વર્ષમાં ભારત માટે 100થી વધુ મેચ રમનારા સવિતાએ પોતાના અનુભવનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો. તેઓ ઓસ્ટ્રેલિયાની ટીમ સામે દિવાલ બનીને ઉભા રહ્યા હતા. મેચમાં 7 પેનલ્ટી કોર્નર મળ્યા હોવા છતાં તેમણે એકપણ ગોલ થવા દીધો ન હતો. હરિયાણાના હિસાર ખાતે રહેતા સવિતાને 2018માં અર્જુન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. હોકી ઈન્ડિયાના અનુસાર, હોકી રમવા માટે તેમના દાદાએ પ્રેરિત કર્યા હતા.

રાની રામપાલ: એક સમયે હોકી સ્ટીક ખરીદવાના પણ પૈસા ન હતા, હાલમાં ટીમની કપ્તાન

રાની રામપાલ ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હોકી ટીમની કપ્તાની કરી રહ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, એક સમયે તેમની પાસે હોકી સ્ટિક ખરીદવા માટે પણ પૈસા નહોતા. રાનીના પિતા હરિયાણાના શાહાબાદ શહેરમાં હાથરીક્ષા ચલાવતા હતા. મહિલા હોકી ખેલાડીઓને જોઈને તેમણે રાનીને પણ હોકી ખેલાડી બનાવવાનું નક્કી કર્યું હતું. તેઓ 6 વર્ષની દીકરીને SGNP સ્કૂલના હોકી ગ્રાઉન્ડમાં કોચ બલદેવ સિંહ પાસે લઈ ગયા હતા. 15 વર્ષની ઉંમરે તે 2010ના વર્લ્ડ કપમાં રમનારા સૌથી નાની વયના ખેલાડી હતા. 2020 માં તેઓ પ્રતિષ્ઠિત 'વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યર' એવોર્ડ મેળવનારા પ્રથમ હોકી ખેલાડી બન્યા હતા.ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત પણ કર્યા છે.

દીપ ગ્રેસ એક્કા : બનવું હતું ગોલકીપર, પણ બની ગયા ડિફેન્ડર

ઓડિશામાં જન્મેલ 27 વર્ષીય દીપ ગ્રેસ એક્કાની કહાણી રસપ્રદ છે. પ્રારંભિક રાઉન્ડમાં તેમની પસંદગી તેમની રમતના કારણે નહીં, પરંતુ તેમના કદને કારણે કરવામાં આવી હતી. તેમના પિતા, કાકા અને મોટા ભાઈ સ્થાનિક હોકી ખેલાડી છે. પરિવારના સભ્યો જણાવે છે કે, તે પહેલા ગોલકીપર બનવા માંગતી હતી. આ દરમિયાન તેણીને બોલ વાગતા થતો દુખાવો છુપાવતી હતી. જ્યારે પરિવારના સભ્યોને ખબર પડી, ત્યારે તેમણે તેમને ડિફેન્ડર તરીકે રમવા માટે પ્રેરિત કર્યા. તે 2013 માં મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ હતા. દીપ ગ્રેસ એક્કાએ ભારત માટે 200થી વધુ મેચ રમી છે. કોર (કસરત) અને રનિંગ તેમના મનપસંદ વર્કઆઉટ્સ છે.

સુશીલા ચાનૂ: કપ્તાન રહી ચૂક્યા છે ટીમના આ અનુભવી ખેલાડી

પી સુશીલા ચાનૂ ભારતીય ટીમના અનુભવી ખેલાડીઓમાંના એક છે. તેમણે ટોક્યો ઓલિમ્પિક્સ પહેલા દેશ માટે 180 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જ્યારે ભારતીય ટીમે 2016માં રિયો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું ત્યારે સુશીલા ચાનૂ ભારતીય ટીમના કપ્તાન હતા. તેઓ ભારતીય રેલવેમાં જૂનિયર ટિકિટ ચેકર પણ રહી ચૂક્યા છે. મણિપુરના રહેવાસી સુશીલા ટીમની સૌથી અનુભવી મિડફિલ્ડર છે. તેઓ 2014 એશિયન ગેમ્સ અને 2017 એશિયા કપમાં ગોલ્ડ મેડલ વિજેતા ટીમનો પણ ભાગ રહી છે. તેમના દાદા મણિપુર પુખરામ આંચાના પ્રખ્યાત પોલો ખેલાડી હતા. પિતા પુખરામ શ્યામસુંદર વ્યવસાયે ડ્રાઈવર છે અને માતા ઓંગવી લતા ગૃહિણી છે. સુશીલાએ 2008 એશિયા કપથી આંતરરાષ્ટ્રીય હોકીમાં પ્રવેશ કર્યો હતો.

નિક્કી પ્રધાન: ઓલિમ્પિક્સ રમવા માટે જેમણે પોતાનું લગ્ન પાછું ઠેલવ્યું

ઝારખંડના નિક્કી પ્રધાન બીજી વખત ઓલિમ્પિક્સમાં રમી રહ્યા છે. તેમના પિતા પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે. તેમની તમામ બહેનો હોકી ખેલાડી રહી ચૂકી છે. તેમના બહેન શશી અને કાંતિ રાષ્ટ્રીય સ્તરના હોકી ખેલાડીઓ છે. બન્ને બહેનો રેલવેમાં નોકરી કરે છે. 27 વર્ષીય નિક્કીનો સફર તેમના ગામથી શરૂ થયો હતો. ટોક્યો ઓલિમ્પિક્સ પહેલા તેઓ ભારત માટે 100થી વધુ મેચ રમી ચૂક્યા છે. ઓલિમ્પિક્સ ક્વોલિફાયરમાં અમેરિકા સામે તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેમના પિતાએ કહ્યું કે, નિક્કીએ તેના લગ્ન ઓલિમ્પિક્સ માટે મુલતવી રાખ્યા હતા.

ગુરજીત કૌર: સ્કૂલ સમયથી રમી રહ્યા છે હોકી, મહિલા હોકી ટીમના સર્વશ્રેષ્ઠ ડ્રેગ ફ્લિકર

ક્વોર્ટર ફાઇનલમાં ગુરજીત કૌરે ભારત માટે 22મી મિનિટે ગોલ કર્યો હતો. આ એક ગોલને કારણે ભારતની મહિલા હોકી ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે. ગુરજીત, જે સંદીપ સિંહને પોતાનો રોલ મોડલ માને છે, તેની ગણતરી મહિલા હોકીના શ્રેષ્ઠ ડ્રેગ-ફ્લિકર્સમાં થાય છે. ગુરજીતે 2019 F.I.H મહિલા શ્રેણીમાં સૌથી વધુ ગોલ કર્યા હતા. અમૃતસરના મિયાદા કલાં ગામમાં જન્મેલા ગુરજીત કૌરે શાળાના અભ્યાસ દરમિયાન હોકી રમવાનું શરૂ કર્યું હતું. જલંધરમાં કોલેજના અભ્યાસ દરમિયાન પણ તેમણે હોકી રમવાનું ચાલુ રાખ્યું હતું. ગુરજીત કૌરને વર્ષ 2014માં સિનિયર નેશનલ કેમ્પમાં દેશ માટે રમવાની પ્રથમ તક મળી હતી.

નવજોત કૌર: સંગીત અને પેઈન્ટિંગનો શોખ ધરાવે છે આ ખેલાડી

26 વર્ષીય મિડફિલ્ડર નવજોત કૌર મેદાનમાં લાંબા સમય સુધી બોલને હોલ્ડ કરવામાં માહેર છે. તેમનો જન્મ હરિયાણાના કુરુક્ષેત્રમાં થયો હતો. સંગીત અને પેઇન્ટિંગનો શોખ ધરાવનાર નવજોત વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર બનવાની ઇચ્છા ધરાવે છે. તેમણે 2012માં અન્ડર -19 જુનિયર એશિયા કપમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતીય હોકી ટીમમાં પર્દાર્પણ કર્યું હતું. નવજોત બીજી વખત ઓલિમ્પિક્સમાં રમી રહ્યા છે. તેમણે 17મી એશિયન ગેમ્સ, 2016 રિયો ઓલિમ્પિક્સ, ચોથી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.

મોનિકા મલિક: પિતા ચાહતા હતા કે પુત્રી કુશ્તી લડે, પુત્રીએ હોકી સ્ટિક પસંદ કરી

27 વર્ષીય મિડફિલ્ડર મોનિકા મલિકનું પ્રારંભિક રમત જીવન સંઘર્ષમાં પસાર થયું હતું. તેઓ શાળામાં હોકી રમતા હતા. મોનિકાનો જન્મ 5 નવેમ્બર 1993ના રોજ સોનીપતના ગોહાનામાં થયો હતો. નાનપણથી જ પિતા તકદીર સિંહની ઈચ્છા હતી કે, દીકરી કુશ્તી લડે, પરંતુ પુત્રીની ઈચ્છા જોઈને તેમણે મોનિકાને માત્ર હોકીમાં જ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. મોનિકાએ સેક્ટર 18માં ચંદીગઢ હોકી એકેડમીમાં તાલીમ લીધી હતી. મોનિકાએ સ્કૂલ લેવલની નેશનલ ટીમમાંથી જુનિયર નેશનલ ટીમમાં અને છેલ્લે 2013માં નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તેઓ 2016માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમની સભ્ય રહી છે. તેઓ 2016 રિયો ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમનો ભાગ પણ રહી ચૂક્યા છે.

શર્મિલા દેવી: થાક લાગે ત્યાં સુધી દાદા કરાવતા હતા પ્રેક્ટિસ

શર્મિલા દેવીનો જન્મ હરિયાણાના હિસાર ગામના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેઓ જ્યારે ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના દાદાએ હોકી સ્ટિક પકડાવી દીધી હતી. શર્મિલાના દાદા તેમને ગ્રાઉન્ડ પર કલાકોની શારીરિક તાલીમ અને પ્રેક્ટિસ આપતા હતા. શર્મિલા 2009થી 2012 સુધી પોતાના ગામમાં હોકી રમતા હતા. જ્યારબાદ 2016 સુધી ચંદીગઢ એકેડમી માટે હોકી રમ્યા હતા. 19 વર્ષીય શર્મિલાએ 2019માં સિનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. નવ મેચ બાદ તેઓ ઓલિમ્પિક્સમાં રમી રહ્યા છે.

નેહા ગોયલ: છઠ્ઠા ધોરણથી રમી રહ્યા છે હોકી, શૂઝ ખરીદવા માટે પણ કોચે આપ્યા હતા પૈસા

નેહા ગોયલના પિતા સોનીપતથી દૈનિક મજૂરી કરતા હતા. લાંબી બીમારી બાદ 2017માં તેમનું નિધન થયું હતું. નેહાની માતાએ તેમના સપના જીવંત રાખ્યા હતા. તેમની માતા ફેક્ટરીમાં કામ કરતા હતા. ધીરે ધીરે નેહાએ રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવી અને 2015માં રેલવેમાં નોકરી મળી. આ પછી તેમના ઘરની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થઈ હતી. જ્યારે નેહા છઠ્ઠા ધોરણમાં હતા, ત્યારે તેમના એક મિત્રએ તેમને હોકી સ્ટિક આપી હતી. ત્યારથી તેમની રમતની સફર શરૂ થઈ હતી. એક સમય હતો, જ્યારે તેમના કોચ પ્રીતમ રાની સિવાચે તેમને આર્થિક મદદ કરી હતી. રાણી સિવાચે નેહાને શૂઝ ખરીદવા માટે પૈસા આપ્યા હતા.

નિશા: આજે પણ નાનકડા મકાનમાં રહે છે તેમનું પરિવાર

2019માં ડેબ્યૂ કરનારા નિશા અને તેમનો પરિવાર કાલુપુર ગામમાં એક નાનકડા ઘરમાં રહે છે. જ્યારે ETV Bharatએ નિશાના પિતા સોહરાભ અહમદ સાથે વાત કરી, ત્યારે તેમણે નિશાના સંઘર્ષ અને ઓલિમ્પિક્સ સુધીની સફર વિશે વિગતવાર માહિતી આપી હતી. 2016માં નિશાના પિતાને લકવાનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ નિશા પર જવાબદારીઓનું ભારણ વધ્યુ હતું, પરંતુ નિશાએ હાર ન માનીને રેલવેમાં કામ કરતી વખતે પિતાની સારવાર કરાવી અને પરિવારનું ગુજરાન પણ ચલાવ્યુ હતું. તેઓ રેલવેમાં ક્લાર્કની પોસ્ટ પર ફરજ પણ બજાવે છે અને રેલવે વતી હોકી રમે છે. તે જ સમયે, તેઓ 2017માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય હોકી ટીમનો એક ભાગ પણ રહી ચૂક્યા છે. નિશા રેલવે ટીમમાં મિડ ફિલ્ડર અને કવર તરીકે રમે છે અને પોતાની આક્રમક રમત માટે જાણીતા છે.

વંદના કટારિયા: ગ્રામજનોને છોકરીઓ હોકી રમે તે પસંદ નહોતું, પરંતુ તે રમી

ભારતીય ટીમના ફોરવર્ડ પ્લેયર વંદના કટારિયાના જીવનમાં એક સમય હતો, જ્યારે તેઓ હોકી સ્ટિક તેમજ શૂઝ ખરીદી શકતા ન હતા. જ્યારે તેઓ રજા પર હતા. ત્યારે તે હોસ્ટેલમાં એકલા રહેતા હતા. વંદનાની માતાએ જણાવ્યું કે, વંદનાએ ટોક્યો જતી વખતે કહ્યું હતું કે હું જીત્યા બાદ આવીશ. હવે એવું લાગે છે કે તે સાચું થશે. તેના ભાઈ પંકજે જણાવ્યું કે, ગામમાં ઘણા લોકો વંદના રમે તે પસંદ ન હતું. ઉત્તરાખંડના હરિદ્વારમાં એક સરળ પરિવારમાં જન્મેલા વંદના કટારિયાના પિતા નાહર સિંહે તેને હોકી રમવાની પ્રેરણા આપી હતી. વંદનાએ વર્લ્ડ કપ પહેલા 200 મેચ રમી છે. 2013ના જૂનિયર મહિલા વર્લ્ડ કપમાં તે ભારત માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી હતા. સાઉથ આફ્રિકા સામેની આ ઓલિમ્પિક મેચમાં પણ તેમણે ત્રણ ગોલ કર્યા હતા. વંદના 2016 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમનો પણ ભાગ હતા.

ઉદિતા: 3 દિવસ હેન્ડબોલના કોચ ન આવ્યા તો હોકી પ્લેયર બની ગયા

ટીમના ડિફેન્ડર ઉદિતાએ ભારત માટે કુલ 32 મેચ રમી છે. હોકી પહેલા તેઓ હેન્ડબોલના ખેલાડી હતા. એકવાર એવું બન્યું કે, તેમના કોચ ત્રણ દિવસ સુધી ન આવ્યા, પછી તેમણે હોકી સ્ટિક હાથમાં લીધી હતી. હોકીએ આ 23 વર્ષીય ખેલાડીનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. હરિયાણામાં જન્મેલી ઉદિતાએ 2017માં સિનિયર ટીમમાં પ્રવેશ કર્યો હતો. તેમના પિતા હરિયાણા પોલીસમાં ASI હતા. 2015માં તેમનું નિધન થયું હતું. માતા ગીતા દેવીએ ઉદિતાના મનમાં હોકી રમવાની તાકીદ રાખી હતી. તે વંદના કટારિયા અને રાની રામપાલને પોતાના રોલ મોડેલ માને છે. ઉદિતા માને છે કે, બન્ને ખેલાડીઓ સાથેની પ્રેક્ટિસને કારણે તેની રમતમાં સુધારો થયો છે.

લાલરેમ સિયામી: પિતાના મોત બાદ પણ મેદાનમાં ટકી રહી

ફોરવર્ડ લાલરેમ સિયામી ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા મિઝોરમના પ્રથમ મહિલા હોકી ખેલાડી છે. સિયામી ઉપનામથી જાણીતા ખેલાડીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, IFH શ્રેણી દરમિયાન તેમના પિતાનું અવસાન થયું હતું, પરંતુ તેમણે ટૂર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ભારતે અમેરિકાને હરાવીને ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું હતું. 21 વર્ષીય લાલરેમ સિયામીને FIHના શ્રેષ્ઠ રાઇઝિંગ ફિમેલ પ્લેયર ઓફ ધ યર 2019 તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને 'વુમન રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. લાલરેમ સિયામીના ગામમાં માત્ર થોડાક લોકો જ હોકી રમે છે. ત્યાં કોઈ સુવિધાઓ નહોતી. જેથી તેમણે તેંજલ જવાનું નક્કી કર્યું, જે તેના ગામથી દૂર હતું. આ કારણથી તેમને લાંબો સમય સુધી હોસ્ટેલમાં રહેવું પડ્યું હતું. ભારત માટે 64 મેચ રમનારા લાલરેમ સિયામીને જર્મનીના પ્રવાસથી પોતાની નબળાઈઓ વિશે ખબર પડી, જેને તેમણે દૂર કરી હતી.

નવનીત કૌર: છેલ્લી સીટી વાગતા સુધી સંઘર્ષ કરતા જોવા મળે છે આ ખેલાડી

ભારતીય હોકી ટીમ વિશે એક માન્યતા હતી કે, તેઓ છેલ્લી મિનિટોમાં હારી જાય છે. કેપ્ટન રાની રામપાલ માને છે કે, ફોરવર્ડ પ્લેયર નવનીત કૌરે આ ધારણા બદલી છે અને તે મેચની છેલ્લી ઘડી સુધી લડે છે. 25 વર્ષીય નવનીત કૌરે ટોક્યો ઓલિમ્પિક્સ પહેલા ભારત માટે 79 મેચ રમી છે. તેઓ હરિયાણાના શાહાબાદ માર્કંડાના રહેવાસી છે. આ શહેર હોકી માટે પ્રખ્યાત છે. નવનીત કૌરે 2013માં જર્મનીમાં યોજાયેલા જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2019 માં FIH શ્રેણી જીતનારી ટીમમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 26 વર્ષના નવજોત કૌરનો જન્મ 7 માર્ચ 1995ના રોજ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયે મિકેનિક છે અને માતા ગૃહિણી છે. નવનીતે ભારત માટે 100 મેચ રમી છે.

સલીમા ટેટે: માતા-પિતા ન જોઈ શક્યા પુત્રીનો કમાલ, કેમ કે ઘરમાં ટીવી જ નથી

ઝારખંડના સલિમા ટેટે ઓલિમ્પિક્સમાં અજાયબીઓ કરી રહી છે, પરંતુ તેમના ઘરની હાલત એવી છે કે, પરિવારજનો સલિમાની ગેમ જોઈ શકતા ન હતા. કારણ એ છે કે, આજે પણ તેમના ઘરમાં ટેલિવિઝન નથી. 19 વર્ષીય સલિમા નિક્કી પ્રધાન પછી મહિલા ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા ઝારખંડના બીજા ખેલાડી છે. નવેમ્બર 2016માં સલિમાને એક સ્પર્ધા માટે વરિષ્ઠ મહિલા ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા. 2019 યુવા ઓલિમ્પિક્સમાં તેમણે જુનિયર ભારતીય મહિલા હોકી ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા હતા. તેમનો રહેણાંક વિસ્તાર નક્સલ પ્રભાવિત છે, જેના કારણે સલિમા માટે રોજિંદા જીવન સરળ રહ્યું નથી. તેમના પિતા સુલક્ષણા ટેટેની ઈચ્છા હતી કે, દીકરીએ હોકીમાં પોતાનું નામ બનાવવું જોઈએ. સલિમા ખરબચડા મેદાનમાં હોકીની પ્રેક્ટિસ કરતી હતી. પિતા સુલક્ષણા અને માતા સુભાની ટેટે આજે પણ ખેતી કરીને જીવે છે.

હવે જાણો ભારતીય મહિલા હોકી ટીમના કોચ સોર્ડ મારજેન વિશે...

જો તમે 'ચક દે ઈન્ડિયા' ફિલ્મ જોઈ હોય તો તેમા ટીમના કોચ કબીર ખાન ખરેખરની ટીમના કોચ સોર્ડ મારજેન છે. 4 વર્ષ પહેલા જ્યારે સોર્ડ મારજેને ભારતીય મહિલા હોકી ટીમની કમાન સંભાળી હતી, ત્યારે આવું નહોતું. તે એક સારા પ્રેરક વક્તા છે અને ટીમને કેવી રીતે જોડવી તે જાણે છે. જ્યારે ભારતીય મહિલા ટીમ ઓલિમ્પિક્સની સેમીફાઇનલમાં પહોંચી ત્યારે તેઓ લાગણીશીલ અને અતિ આનંદિત થઈને ઝૂમી ઉઠ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details