હૈદરાબાદ: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સોમવારે ફેડ કપ હાર્ટ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બની હતી. માતા બન્યા બાદ સફળતાપૂર્વક કોર્ટમાં પરત ફરવા બદલ તેણે આ સન્માન મેળવ્યું હતું.
આ એવોર્ડમાં દાનમાં મળનાર રકમ તેણે તેલંગાણાના સીએમ રિલીફ ફંડમાં આપવાનું નક્કી કર્યું છે. તેણે તેની જાહેરાત સોશિયલ મીડિયા પર પણ કરી હતી.
ફેડ કપ હાર્ટ એવોર્ડમાં વિજેતાની પસંદગી ચાહકોના વોટિંગના આધારે કરવામાં આવે છે. આ એવોર્ડ માટે વોટિંગ 1 મેથી શરૂ થયું હતું. સાનિયા માટે થયેલા વોટિંગમાં તેને કુલ 16,985માંથી 10 હજારથી વધુ મત મળ્યા.
આ વિશે સાનિયાએ જણાવ્યું કે, “ફેડ કપ હાર્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બનવું ગર્વની વાત છે. હું આ એવોર્ડ સમગ્ર દેશ અને મારા ચાહકોને સમર્પિત કરું છું. હું ભવિષ્યમાં દેશ માટે વધુ સિદ્ધિઓ હાંસલ કરવાનો પ્રયત્ન કરીશ.”
સાનિયા ચાર વર્ષ બાદ ફેડ કપમાં પરત ફરી હતી અને ઇતિહાસમાં પહેલીવાર ભારતે પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. ઓક્ટોબર 2018માં તેના પુત્ર ઇઝાનને જન્મ આપ્યા પછી, સાનિયા આ વર્ષે જાન્યુઆરીમાં કોર્ટમાં પાછી ફરી હતી અને નાદિયા કિચેનોક સાથે હોબાર્ટ આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યો. જેમાં વિજેતાને બે હજાર ડોલર મળે છે. સાનિયાએ આ રકમ તેલંગાણાના સીએમ રિલીફ ફંડમાં આપી હતી.