રાજ્યના છેવાડમાં રહેતો નાગરિક પણ પોતાનામાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવી પોતાની પ્રતિભા વિશ્વ સમક્ષ બતાવી શકે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ખેલમહાકુંભના માધ્યમથી અસંખ્ય ખેલાડીઓ રમતના મેદાનમાં પોતાના ધ્યેયો સફળ કરતા થયા છે. ખેલમહાકુંભમા ભાગ લેનારા ખેલૈયાઓની સંખ્યામાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ઇનામ વિતરણ કરીને વિજેતા ખેલાડીઓનું સમ્માન કરે છે તથા રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટેની સુવિધા પુરી પાડે છે.
પોરબંદરથી 35 કિલોમીટર દુર પારાવાડા ગામમાં રહેતી ખેડૂતપુત્રી રાંભીબેન સીડાને નાનપણથી રમતગમત ક્ષેત્રે આગળ વધવાની ઇચ્છા હતી. આ માટે રાંભીબેન પોતાના ખેતરમાં કોઇપણ કોચ વગર જાતે જ ગોળાફેક અને ચક્રફેકની તાલીમ મેળવે છે. તેમણે ખેલમહાકુંભનુ પ્લેટફોર્મ મળવાથી તે પોતાની પ્રતિભા બહાર લાવી શક્યાં અને ગોળાફેકમાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવીને તમામનું દિલ જીતી લીધું.
વર્ષ 2017માં ખેલમહાકુંભમાં ચક્રફેકમાં રાજ્યકક્ષાએ બીજો નંબર, વર્ષ 2018માં રાજ્યકક્ષાએ ચક્રફેકમાં ત્રીજો નંબર અને યુનિવર્સિટી લેવલે 2 વખત પ્રથમ અને એક વખત નંબર 2 સાથે નંબર વિજેતા તથા વર્ષ 2019ના ખેલમહાકુંભમાં ગોળાફેકમાં રાજ્યકક્ષાએ પ્રથમ નંબરે વિજેતા બની રૂપિયા 21,500નો પુરસ્કાર મેળવનારા સફળ યુવતી રાંભી પોતાની સફળતા વિશે કહે છે કે, આ ટેકનોલોજીના સમયમાં સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરીને ઘણું બધુ શીખી શકાય છે. હું સવાર- સાંજ નિયમીત અમારા ખેતરમાં ગોળાફેક અને ચક્રફેકની પ્રેકટીસ કરૂં છું. આ માટે જરૂરી તમામ ટેકનીક હું યૂ-ટ્યુબ પર નિયમીત જોતી રહું છું. ગોળાફેક માટે કયારેક ભારે પથ્થર તો કયારેક લોખંડનો ગોળો પ્રેક્ટીસ માટે ઉઠાવું છું. ખેલમહાકુંભ સુધી મેં જાતે જ મહેનત કરીને નંબર મેળવ્યો છે.
રાંભીબેનના માતા-પિતા કહે છે કે, છોકરી નાનપણથી જ રમતીયાળ છે. આખો દિવસ કસરત સાથે ખેતીકામ પણ કરતી જાય છે. BAનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા માટે પરિશ્રમ કરે છે. ઘરમાં કોઇ રોકટોક નથી, રાંભીએ 4 વખત નેશનલ લેવલના ચક્રફેકમાં ભાગ લીધો છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર ખેલમહાકુંભ યોજે છે, જેના કારણે દરેક વાલીઓની દિકરીઓના સપના અને ધ્યેય પૂર્ણ થાય છે. માટે કોઇની ચિંતા કર્યા વિના દિકરીને સાથ આપવો જોઇએ જેથી તે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધી શકે.
આજના સમયમાં દિકરાઓની જેમ દિકરીઓ પણ દરેક ક્ષેત્રે આગળ વધે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. આ અંગે યુવતીએ કહ્યું કે, ગામડાઓમાં રહેનારી દિકરીઓ રમત-ગમત અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે પરિવારજનોએ જાગૃત થઇને દિકરીઓને પણ દિકરાની જેમ આગળ વધવા સાથ સહકાર આપવો જોઇએ. મારા પરિવારે મને સંપૂર્ણ સહકાર આપ્યો, જેથી મારામાં રહેલી પ્રતિભાને હું બહાર લાવી શકી છુ. મારી ઈચ્છઆ ભવિષ્યમાં સીનિયર કોચ બનીને રાજ્ય તથા દેશ માટે ખેલાડીઓ તૈયાર કરવાની છે.