નવી દિલ્હીઃટોક્યો ઓલિમ્પિકમાં ભારતના બે ભાલા ફેંક એથલીટ ભાગ લેતા જોવા મળશે. નીરજ ચોપડા પહેલાથી જ ઓલિમ્પિકની ટિકિટ હાંસિલ કરી ચુક્યો છે. હવે શિવપાલ સિંહએ પણ ભારત માટે અલગ કોટા હાંસિલ કરી લીધો છે. શિવપાલે દક્ષિણ આફ્રિકામાં ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ મેળવી છે. ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 24 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી જાપાનની રાજધાની ટોક્યોમાં થવાનું છે.
શિવપાલ સિંહે મંગળવારે 85.47 મીટરનું અંતર કાપતા 85 મીટરના કટ માર્કને પાર કર્યો હતો. તેણે શરૂઆતી ચાર પ્રયાસોમાં 80 મીટરથી ઓછું અંતર કાપ્યું હતું. તે પાંચમાં પ્રયાસમાં ઓલિમ્પિક માર્ક પાર કરવામાં સફળ રહ્યો હતો. કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ શિવપાલની સફળતાની જાણકારી ટ્વીટ કરીને આપી હતી.
ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ લખ્યું, 'ટ્રેક તથા ફીલ્ડથી સારા સમાચાર છે. શિવપાલ સિંહે ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ હાંસિલ કરી લીધી છે. તે ભાલા ફેંકમાં ઓલિમ્પિક ટિકિટ મેળવનાર ભારતનો બીજો એથલીટ બની ગયો છે.'
શિવપાલ સિંહે પાછલા વર્ષે દોહામાં આયોજીત એશિયન ચેમ્પિયનશિપમાં 86.23 મીટરનું અંતર કાપ્યું હતું, જે તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. શિવપાલે નોર્વેની રાજધાની ઓસ્લોમાં આયોજીત ડાયમંડ લીગ મીટિંગમાં પણ ભાગ લીધો હતો અને 80.87 મીટરની સાથે આઠમાં સ્થાન પર રહ્યો હતો.
ભારતનો અર્શદીપ સિંહ ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ હાંસિલ કરી શક્યો નહીં. અર્શદીપે દક્ષિણ આફ્રિકામાં 75.02 મીટરનું અંતર કાપ્યું હતું. પાછલા મહિને નીરજે 87.86 મીટરની સાથે પ્રથમવાર ઓલિમ્પિકનો કોટા હાંસિલ કર્યો હતો.