બેંગલુરુ: મંગળવારે રમાયેલી SAFF ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચમાં ભારતે કુવૈતને 5-4થી હરાવ્યું હતું. આ રીતે ભારત 9મી વખત SAIF ચેમ્પિયન બન્યું છે. આ મેચમાં બંને ટીમોએ શરૂઆતથી જ આક્રમક રમત દેખાડી હતી. કાંટાના ટક્કરવાળી આ મેચમાં નિર્ધારિત 90 મિનિટમાં બંને ટીમોનો સ્કોર 1-1 હતો. જે બાદ મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી. વધારાના સમયમાં બંને ટીમોએ એકબીજા પર આક્રમણ કર્યા, પરંતુ બંને ટીમો ગોલ કરી શકી ન હતી.
ગોલકીપર ગુરપ્રીત સિંહની શાનદાર ડાઇવ:આ પછી રમત પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. ભારતના સ્ટાર સ્ટ્રાઈકર સુનીલ છેત્રીએ પ્રથમ ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. ભારતીય ફૂટબોલની દીવાલ તરીકે ઓળખાતા ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધુએ કુવૈતનો પ્રથમ પેનલ્ટી સ્ટ્રોક રોક્યો હતો. આ પછી ભારતે ચોથો સ્ટ્રોક ગુમાવ્યો હતો. જેના કારણે સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકોના શ્વાસ અટકી ગયા હતા. પ્રથમ સ્ટ્રોક ચૂકી ગયા બાદ કુવૈતે સળંગ સ્ટ્રોક પર ગોલ કર્યો હતો. ભારતે મેચ જીતવા માટે કુવૈતનો છેલ્લો સ્ટ્રોક રોકવો પડ્યો હતો. આ દરમિયાન 125 કરોડ ભારતીયોની આશા ગોલકીપર ગુરપ્રીત સિંહ પર હતી. ગુરપ્રીતે તેની ડાબી તરફ હવામાં ડાઇવ કરીને શાનદાર બચાવ કર્યો હતો.