- પેરા ઑલિમ્પિક 2020માં બેડમિંટનમાં ભારતનો દબદબો
- પ્રમોદ ભગતે ગોલ્ડ જીત્યો, મનોજ સરકારે બ્રોન્ઝ
- ભારતનો પેરા ઑલિમ્પિક 2020માં આ 17મો મેડલ
ટોક્યો: ટોકયો પેરા ઑલિમ્પિક 2020માં ભારતને બેડમિંટનમાં પ્રમોદ ભગતે પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેમણે પુરુષ સિંગલ્સ SL3 કેટેગરીની ફાઇનલમાં ડેનિયલ બ્રેથેલને હરાવ્યો છે. પ્રમોદ ભગતે 45 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ડેનિયલને 21-14, 21-17થી હરાવ્યો. વર્લ્ડ નંબર વન ખેલાડી પ્રમોદ ભગત પેરા ઑલિમ્પિકમાં બેડમિંટન ફાઇનલમાં પહોંચનારા પહેલા ખેલાડી પણ બન્યા હતા.
પેરા ઑલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
પ્રમોદ ભગત ઉપરાંત ટોક્યો પેરા ઑલિમ્પિકમાં મનોજ સરકારે પણ કમાલ કરી છે. મનોજ સરકારે બેડમિંટન પુરુષ સિંગલ્સ સ્પર્ધામાં જાપાનના ડાઇસુકે ફુજીહારાને હરાવીને બ્રોન્જ મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતનો પેરા ઑલિમ્પિક 2020માં આ 17મો મેડલ છે. પેરા ઑલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે આ પેરા ઑલિમ્પિકમાં 4 ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. બેડમિંટનની આ જ સ્પર્ધામાં પ્રમોદ ભગતે ગોલ્ડ મેડલ જીતીને કમાલ કરી દીધી છે.
45 આંતરરાષ્ટ્રીય મેડલ જીતી ચૂક્યા છે પ્રમોદ
ઉલ્લેખનીય છે કે પ્રમોદ ભગત અત્યાર સુધી 45 આંતરરાષ્ટ્રીય મેડલ જીતી ચૂક્યા છે. આમાં 4વાર આંતરરાષ્ટ્રીય વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ સામેલ છે. ભગત આંતરરાષ્ટ્રીય સ્તર પર પહેલીવાર 2009માં ચમક્યા હતા. એ વર્ષે BWFની પેરા બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમણે SL3 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.