નવી દિલ્હીઃ ફૂટબોલની દુનિયામાં પ્રખ્યાત અને આર્જેન્ટિનાના સ્ટાર લિયોનેલ મેસ્સી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. લિયોનેલ મેસ્સી આજે 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. મેસ્સીના જન્મદિવસ પહેલા જ ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર અગાઉથી શુભેચ્છા પાઠવી છે. મેસ્સીના ચાહકોએ તેમના મનપસંદ ફૂટબોલરને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવાની રાહ ન જોઈ અને ઈન્ટરનેટ પર મેસ્સીનો ફોટો શેર કરીને તેને આ ખાસ અવસર પર અભિનંદન સંદેશ લખ્યા. આર્જેન્ટિનાની ટીમનો કેપ્ટન લિયોનેલ મેસ્સી જે ફેમસ ફૂટબોલરોમાંથી એક છે તે ટૂંક સમયમાં અમેરિકામાં ફૂટબોલ રમતો જોવા મળશે.
ઇન્ટર મિયામી ટીમ સાથે જોડાયો:અનુભવી ફૂટબોલર લિયોનેલ મેસ્સી અમેરિકાની ફૂટબોલ લીગ મેજર લીગ સોકરની ઇન્ટર મિયામી ટીમ સાથે જોડાયો છે. આ માહિતી ખુદ મેસ્સીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં આપી હતી અને ત્યારથી મેસ્સીના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તે ક્યારે ઈન્ટર મિયામી ટીમ માટે ડેબ્યૂ કરશે. પરંતુ આ પહેલા ફૂટબોલ ક્લબ દ્વારા કહેવામાં આવ્યું છે કે મેસ્સી 21 જુલાઈના રોજ ડોમેસ્ટિક મેચમાં રમતા જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે મેસ્સીનો ફ્રાન્સની પેરિસ સેન્ટ જર્મન ફૂટબોલ ક્લબ સાથેનો કરાર 30 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. મેસીએ પેરિસ સેન્ટ-જર્મન માટે તેની છેલ્લી મેચ 3 જૂનના રોજ ક્લેર્મોન્ટ ફૂટબોલ ક્લબ સામે રમી હતી. આ મેચમાં પીએસજીને 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે આ મેચ ફ્રેન્ચ લીગ વનમાં પીએસજીની છેલ્લી મેચ પણ હતી.