અમદાવાદ :2 ડિસેમ્બર શનિવારના રોજ ગુજરાત જાયન્ટસ અને તેલુગુ ટાઈટન્સ વચ્ચે પ્રો કબડ્ડી લીગ સીઝન 10 ની પ્રથમ મેચ રમાઈ હતી. ગુજરાત જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કરીને તેલુગુ ટાઇટન્સને 38-32 થી પરાજય આપ્યો હતો. ગુજરાત જાયન્ટ્સના રાઇડર સોનુએ 11 ટચ પોઈન્ટ મેળવ્યા હતા અને તેની જ ટીમના દેશબંધુ રાકેશે મેચમાં 5 ટચ પોઇન્ટ મેળવ્યા હતા. આ દરમિયાન તેલુગુ ટાઇટન્સના કેપ્ટન પવન સેહરાવતે સુપર 10 દ્વારા પ્રો કબડ્ડી લીગમાં પુનરાગમન કર્યું હતું.
PKL ની પ્રથમ મેચ : મેચની શરુઆતની મિનિટોમાં જ તેલુગુ ટાઇટન્સે 4-3 થી સરસાઈ મેળવી લેતા રજનીશે રેઈડ પાડી હતી. જોકે ગુજરાત જાયન્ટ્સે વળતી લડત આપતા 7 મી મિનિટે સ્કોરને 5-5 થી બરોબરી પર લાવી દીધો હતો. થોડી જ ક્ષણો બાદ રાકેશે એક જોરદાર રેડ પાડી અને ગુજરાત જાયન્ટ્સને 6-5 ની સરસાઈ અપાવી હતી. રાકેશે વધુ એક રેડ પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેલુગૂ ટાઇટન્સે તેનો સામનો કર્યો અને 10 મી મિનિટે 8-6 થી આગળ નીકળી ગયું હતું.
રોમાંચક મુકાબલો : તેલુગુ ટાઇટન્સના ડિફેન્સ યુનિટે ટેકલ કરવાનું જારી રાખ્યું હતું અને 14 મી મિનિટે તેની ટીમને 11-7 ના સ્કોર પર લીડમાં ટકી રહેવામાં મદદ કરી હતી. ગુજરાત જાયન્ટ્સ 15 મી મિનિટે માત્ર 2 ડિફેન્ડરોમાં જ ખખડી ગયું હતું, જોકે ફઝલ અત્રાચલી અને મોહમ્મદ નબીબાક્ષની ઇરાની જોડીએ પવન સેહરાવતનો સામનો કરીને તેમની ટીમને 12-9 ના સ્કોર સાથે મેચમાં ટકી રહેવામાં મદદ કરી હતી. થોડી જ ક્ષણો બાદ ગુજરાત જાયન્ટ્સે સેહરાવતનો ફરીથી સામનો કર્યો અને સ્કોરને 13-13 ની બરાબરી પર લાવી દીધો હતો. તેલુગુ ટાઇટન્સ પ્રથમ હાફના અંત સુધીમાં 16-13 ના સ્કોર પર સરસાઈ મેળવવામાં સફળ રહ્યું હતું.