નવી દિલ્હીઃ સર્બિયાના 36 વર્ષીય ખેલાડી નોવાક જોકોવિચે ટેનિસના ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાવ્યું છે. હવે જોકોવિચ સૌથી વધુ 23 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ ધરાવનાર પ્રથમ પુરુષ ખેલાડી બની ગયો છે. જોકોવિચે રવિવારે 11 જૂને ફ્રેન્ચ ઓપન 2023ની ફાઈનલ મેચમાં કેસ્પર રુડને હરાવ્યો છે. આ જીત સાથે જોકોવિચે 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલને પાછળ છોડી દીધો છે. ફાઇનલ મેચમાં, જોકોવિચે કેસ્પર રુડના કઠિન પડકારને ત્રણ સેટમાં વટાવીને તેનું ત્રીજું ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું અને તેનું 23મું ઐતિહાસિક ગ્રાન્ડ સ્લેમ પણ જીત્યું.
નોવાક જોકોવિચ બન્યો નંબર વન:સર્બિયન ખેલાડી જોકોવિચે ફ્રેન્ચ ઓપનની ફાઈનલ જીતતાની સાથે જ 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલને પાછળ છોડી દીધો. 3 કલાક 13 મિનિટ સુધી રમાયેલી મેચમાં જોકોવિચે 7-6, 6-3, 7-5થી જીત મેળવી હતી. હવે આ જીત બાદ જોકોવિચ નડાલ કરતાં એક ટાઈટલ આગળ થઈ ગયો છે. આ સાથે જ ટેનિસમાંથી સંન્યાસ લઈ ચૂકેલા રોજર ફેડરરથી 3 ટાઈટલ આગળ છે. જોકોવિચે ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં સ્પેનના વિશ્વ નંબર વન ચેમ્પિયન કાર્લોસ અલ્કારાજને હરાવીને 23મા ગ્રાન્ડ સ્લેમ તરફ આગળ વધ્યો હતો. તેણે રવિવારે 11 જૂને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પોતાનું સપનું પૂરું કર્યું છે.