- ભુતપુર્વ ટેબલ ટેનિસ ખેલાડી વી.ચંદ્રશેખરનું કોરોનાને કારણે નિધન
- 63 વર્ષની નાની વયે ખેલાડીનું થયું નિધન
- એક મહાન ખેલાડી તરીકે યાદ કરવામાં આવશે
ચેન્નાઈ: ચંદ્રા તરીકે જાણીતા, ભારતના ભૂતપૂર્વ ટેબલ ટેનિસ પ્લેયર વી.ચંદ્રશેખરનું કોરોનાને કારણે નિધન થયું હતું. તે 63 વર્ષના હતા. ચંદ્રાને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો અને ચેન્નેઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.દિલ્હી રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનના જનરલ સેક્રેટરી અને મુખ્ય પસંદગીકાર અને મુખ્ય રાષ્ટ્રીય કોચ મનજીત દુઆએ આઈએએનએસને કહ્યું, "ચંદ્રા બે વર્ષ જુનિયર હતા અને એક શાનદાર વ્યક્તિ હતા. ત્રણ દિવસ પહેલા મેં સાંભળ્યું હતું કે તે જોખમની બહાર છે પરંતુ પછી આ દુ:ખદ સમાચાર સાંભળવા મળ્યા.
તે એક ફાઈટર હતા
ભૂતપૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન કમલેશ મહેતાએ IANSને જણાવ્યું હતું કે, "ચંદ્રા અમારા સિનિયર ખેલાડી હતા અને અમે તેમની મેચ જોતા હતા. તેમની ટોચની સ્પિન ડ્રાઇવ લાજવાબ હતી. જ્યારે હું પહેલી વાર દેશ માટે રમ્યો ત્યારે ચંદ્રા મારા કેપ્ટન હતા. પ્રથમ વખત હું તેમની સામે નેશનલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 0-3થી હારી ગયો અને પછીના વર્ષે મેં તેમને 3-0થી હરાવીને ટાઇટલ જીત્યું હતું " તેમણે કહ્યું, "ચંદ્રા તેમના અંતિમ શ્વાસ સુધી ટેબલ ટેનિસ સાથે જોડાયેલા રહ્યા હતા. વિવિધ મુશ્કેલીઓ હોવા છતાં તેમણે રમતમાં ઘણું યોગદાન આપ્યું હતું. તે એક લેજેન્ડ હતા. તેમને ફાઇટર અને એક મહાન ખેલાડી તરીકે યાદ કરવામાં આવશે."
3 ટાઈટલો ચંદ્રાના નામ પર
ચંદ્રાના નામ પર ત્રણ રાષ્ટ્રીય ટાઇટલ હતા. તે કોમનવેલ્થ ગેમ્સમાં સેમિ ફાઇનલમાં ગયા હતા અને તેને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. તે બીએ ઇકોનોમિક્સ અને વકિલાતમાં ગોલ્ડ મેડલિસ્ટ હતા. ચંદ્રાએ એકવાર IANSને કહ્યું હતું કે, "1984 એ મારા જીવનનું મહત્વનું વર્ષ હતું. મારી પાસે વકિલાતમાં કારકિર્દી બનાવવાનો અને ટેબલ ટેનિસ રમવાનું ચાલુ રાખવું એમ બે વિકલ્પ હતા. ત્યારે હું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કામ કરતો હતો. મેં વિચાર્યું હતું કે હું વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લીધા પછી આ વિશે નિર્ણય કરીશ. "
આ પણ વાંચો : મેરઠના બે ખેલાડીઓને ખેલ મંત્રાલયે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી