ભારતીય મહિલા હોકી ટીમની ડિફેન્ડર સુનિતા લાકડાએ ઘૂંટણની ઈજાને કારણે ગુરૂવારે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તે 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ટીમનો ભાગ હતી.સુનિતાએ કહ્યું કે, ઈજાના કારણે તેને ફરીથી ઘૂંટણની સર્જરી કરાવવી પડશે. આ રીતે, 28 વર્ષીય ખેલાડીનું ટોક્યો ઓલમ્પિક માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવવાનું સપનું તૂટી ગયું.
હોકી ઈન્ડિયા દ્વારા નિવેદનમાં તેમણે કહ્યું કે, આજે મારા માટે ખૂબ ભાવનાત્મક દિવસ છે કારણ કે મેં આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.
સુનિતાએ વર્ષ 2008થી ટીમમાં જોડાયા બાદ 2018 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતની કપ્તાની કરી હતી, જેમાં ટીમ બીજા સ્થાને રહી હતી.
તેમણે ભારત માટે 139 મેચ રમ્યા અને તે 2014ની એશિયન ગેમમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમનો ભાગ પણ રહી હતી. તેમણે કહ્યું કે, હું ભાગ્યશાળી રહી કે 2016ના રિયો ઓલિમ્પિકમાં રમી શકી, જેમાં ભારતીય મહિલા ટીમે ત્રણ દાયકામાં પ્રથમ વખત ભાગ લીધો હતો. પરંતુ ઘૂંટણની ઇજાએ ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ટીમનો ભાગ બનવાનું મારૂં સપનું તોડી નાખ્યું.
સુનીતાએ કહ્યું કે, ડૉક્ટરોએ મને કહ્યું હતું કે, મારે આના માટે આગામી દિવસોમાં વધુ એક સર્જરી કરવી પડશે. મને નથી ખબર સંપૂર્ણ સારૂં થવા માટે મારે કેટલો સમય લાગશે. તેમણે કહ્યું કે, સર્જરી થયા બાદ ઘરેલૂ હોકીમાં રમવું શરૂ રાખીશ. તેમણે કહ્યું કે, મારી સારવાર બાદ હું ઘરૂલૂ હોલી રમીશ. નાલ્કો માટે રમીશ જેમણે નોકરી આપીને મારા કરિયરમાં ખુબ જ મદદ કરી છે. સુનિતાએ પરિવાર સાથે ટીમના સાથીઓ, હોકી ઈન્ડિયા અને મુખ્ય કોચ સોર્ડ મારિનનો આભાર માન્યો.