વૉશિગ્ટનઃ અમેરિકામાં અશ્વેત જોર્જ ફ્લોયડના મોતનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વિરોધમાં રમત ખેલાડીઓ પણ જોડાયા છે. ટેનિસ સ્ટાર કોકો ગોફના વિરોધ બાદ અમેરિકાના પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી માઇકલ જોર્ડને પણ ટ્વીટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
માઇકલ જોર્ડેને અમેરિકામાં પોલીસના હાથે અશ્વેતના મોત અંગે કહ્યું કે, મારી સંવેદના ફ્લોયડના પરિવાર સહિત અસંખ્ય લોકો પ્રત્યે છે, જેમણે વંશીય તોડફોડ અને અન્યાયના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે બહુ થઈ ગયું, આપણે ભેગા થઈને જાતિવાદ સામે અવાજ ઉઠાવવો પડશે. જેથી આપણા નેતાઓ પર કાયદો બદલવા માટે દબાણ આવે.
જોર્ડન સિવાય લોસ એન્જલસ લેકર્સના બાસ્કેટબોલ ખેલાડી લેબરન જેમ્સ, બોસ્ટન સેલટિક્સના જેલેન બ્રાઉન વગેરેએ વિરોધ કર્યો હતો. બીજી તરફ જર્મનીના ફૂટબોલ ક્લબ બોર્સિયા ડોર્ટમંડના બે ખેલાડીઓએ વિરોધ કરતા મેચમાં 'જસ્ટિસ ફોર ફ્લોયડ' લખેલી ટી-શર્ટ પહેરી હતી.
સમગ્ર મામલો જરા એમ છે કે, USના મિનેપોલિસમાં 26 મેના રોજ ફ્લોયડની પોલીસે છેતરપિંડીના આરોપસર ધરપકડ કરી હતી. આ પહેલા એક પોલીસ અધિકારીએ ફ્લોયડને પકડ્યો હતો. જેના કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા. આ વીડિયોમાં 46 વર્ષનો ફ્લોયડ સતત પોલીસને ઘૂટણ હટાવવાનું કહી રહ્યો છે. આ વીડિયો ફલોયડ પોલીસને કહી રહ્યો છે કે, તમારો ઘૂટણ મારા ગળા ઉપર છે. હું શ્વાસ લઈ શકતો નથી, ત્યાર બાદ ધીમે ધીમે ફ્લોયડનું હલનચલન બંધ થઈ જાય છે, પછી અધિકારી ફ્લોયડને કારમાં બેસવા કહે છે, પણ કોઈ પ્રતિક્રિયા મળતી નથી. જેથી આસપાસ ભારે ભીડ ભેગી થઈ જાય છે અને ફ્લોયડને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેનું મોત થયું હતું.
મહત્વનું છે કે, આ સમગ્ર મામલે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી સહિત 40 શહેરમાં કર્ફ્યુ લગાવાયો છે. જેમાં રવિવાર રાતે પણ પ્રદર્શનકારીઓએ વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન કર્યું હતું. સેનાએ ટીયરગેસ છોડ્યા હતાં.