નવી દિલ્હી: યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માને IPL 2023માં રમાયેલી મેચવિનિંગ ઇનિંગ્સનો ફાયદો મળ્યો છે. આ બંનેને IPLમાં શાનદાર પ્રદર્શનના કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારતીય T20 ટીમમાં જગ્યા મળી હતી. આ બંને ડાબા હાથના બેટ્સમેનોને 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડિઝ સામે રમવા માટે 15 સભ્યોની ટીમના ભાગ રૂપે પસંદ કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, વરિષ્ઠ ખેલાડીઓની ગેરહાજરીમાં, ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં રમવાની તક મળશે.
સૂર્યકુમાર યાદવ વાઈસ કેપ્ટન: આ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમને યુવા ખેલાડીઓ સાથે કેરેબિયન ધરતી તેમજ અમેરિકામાં પાંચ ટી-20 મેચ રમવાની છે. સૂર્યકુમાર યાદવને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જોકે આ ટીમમાંથી આઈપીએલના કેટલાક સ્ટાર ખેલાડીઓના નામ ગાયબ છે. જેમને ટીમમાં સમાવેશ માટે દાવેદાર કહેવામાં આવ્યા હતા.
સિનીયરને આરામ કે હકાલપટ્ટી: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ટીમની બહાર થયા બાદથી દેશ માટે એકપણ T20 મેચ રમી નથી. આટલું જ નહીં 2023 IPL ફાઈનલનો હીરો રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં નથી. સાથે જ ઝડપી બોલર મોહમ્મદ સિરાજની પણ પસંદગી કરવામાં આવી નથી. આ સાથે જ રિંકુ સિંહને પણ સાઇડલાઇન કરવામાં આવ્યા છે.